Home Gujarat Pm Modi Likely To Visit Somnath Mahadev During Gujarat Visit

PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શનની શક્યતા : પ્રશાસન-પોલીસે શરૂ કરી તૈયારીઓ

PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શનની શક્યતા
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 10:58 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે તેમજ રોડ શો સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરવા સોમનાથ આવવાની પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીના સંભવિત સોમનાથ આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સતત બેઠકો યોજી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કાર્યક્રમ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ વર્ષે સોમનાથ સાથે જોડાયેલ એક ઐતિહાસિક પ્રસંગ પણ મહત્વનો બની રહ્યો છે. ઈતિહાસ મુજબ 1026 માં મહંમદ ગજનવી દ્વારા સોમનાથ પર આક્રમણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2026 માં આ ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરે કોઈ વિશેષ અને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સંદર્ભમાં સોમનાથ ખાતે આશરે 1000 અશ્વ એકત્ર કરવાની યોજના પણ વિચારાધીન છે. રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ યુનિટના અશ્વોને સોમનાથ લાવવામાં આવે તેવી શક્યતા છે, જે કાર્યક્રમને વિશેષ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્તા આપશે.

પ્રધાનમંત્રીના સંભવિત આગમન અને ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને સોમનાથમાં તૈયારીઓ તેજ બની ગઈ છે. અંતિમ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થવાની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ હાલથી જ પ્રશાસન અને પોલીસ દ્વારા કોઈ ખામી ન રહે તે માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now