ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા માવઠા અને કમોસમી વરસાદ બાદ હવે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બાદ તાપમાન ફરી ઝડપથી વધવા લાગ્યું છે અને રાજ્યમાં આકરા ઉનાળાની અસર સ્પષ્ટ દેખાવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે, જેના કારણે લોકો ફરી ગરમી અને બફારાથી પરેશાન બન્યા છે.
ગઈકાલે ભાવનગર, ગીર સોમનાથ, મહિસાગર, હિંમતનગર અને ભરૂચ સહિતના જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. વરસાદ બાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી, પરંતુ ભેજનું પ્રમાણ વધી જતા લોકો બફારાની અસહ્ય સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું સંયોજન લોકો માટે અકળામણભર્યું બન્યું છે.
રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
હવામાન વિભાગના છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. તેની સાથે અમરેલી, સુરેન્દ્રનગર અને વડોદરા સહિતના શહેરોમાં પણ ગરમીનું જોર વધુ જોવા મળ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોર દરમિયાન તડકો તીવ્ર બનતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
હવે રાજ્યમાં હવામાન સૂકું રહેશે
હવામાન વિભાગે આગામી દિવસો માટે રાજ્યમાં મુખ્યત્વે સૂકા વાતાવરણની આગાહી વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય પર અસર કરતા વરસાદી વાદળો હવે વિખેરાઈ ગયા છે અને આગામી 12 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ-દમણ વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. અગાઉ કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે પવનની ગતિ સામાન્ય થઈ રહી છે.
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે. ખાસ કરીને આંતરિક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચવાની સંભાવના છે. તેના કારણે બપોરના સમયમાં ગરમીની અસર વધુ ગંભીર બની શકે છે.
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ!: હવામાન વિભાગે કરી આગામી 24 કલાકની આગાહી, તમારા શહેરમાં કેવું રહેશે વાતાવરણ?
દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાની અસર વધુ
સુરત, વેરાવળ, દમણ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ભલે 40 ડિગ્રીથી નીચે રહેતું હોય, છતાં હવામાં રહેલા ભેજને કારણે લોકો અસહ્ય બફારો અનુભવી રહ્યા છે. ભેજનું પ્રમાણ વધતા શરીરમાંથી પરસેવો વધુ નીકળે છે અને થાક તેમજ અકળામણની સ્થિતિ સર્જાઈ રહી છે.
ખેડૂતો માટે ખાસ ચેતવણી
હવામાન વિભાગે ખેડૂતોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની સંભાવના યથાવત હોવાને કારણે કેરીના ઉતારા અને ઉનાળુ પાકની લણણી દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લામાં રાખવામાં આવેલા કૃષિ ઉત્પાદનને વરસાદ અને ભેજથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના કૃષિ વિસ્તારોમાં માવઠાના કારણે કેરી સહિતના બાગાયતી પાકોને કેટલીક જગ્યાએ અસર પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ખેડૂતો હવે હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જેથી પાકને નુકસાનથી બચાવી શકાય.





