વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના યુવાધનને નશાના માર્ગે ધકેલી બરબાદ કરનારા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયામક તંત્ર (FDCA) એ લાલ આંખ કરી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દવાના વેચાણના ઓઠા હેઠળ નશાકારક ગોળીઓ અને સિરપનું મોટું કૌભાંડ ચલાવતી જાણીતી એજન્સી 'મેસર્સ શિવાની મેડિસિન' પર તંત્રએ તવાઈ બોલાવી છે. વારંવારની ગેરરીતિઓ અને કાયદાના ઉલ્લંઘન બાદ આખરે તંત્રએ આ એજન્સીનું ડ્રગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી નાખ્યું છે.
લાંબા સમયથી શંકાના દાયરામાં રહેલી આ મેડિકલ એજન્સી પર જ્યારે FDCA દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મનોચિકિત્સકના પ્રિસ્ક્રિપ્શન વગર ન આપી શકાય તેવી અત્યંત સંવેદનશીલ દવાઓ અહીં ખુલ્લેઆમ વેચાઈ રહી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી માત્ર નફાખોરીમાં રચ્યાપચ્યા રહેતા આવા તત્વો સામેની આ કાર્યવાહીથી વડોદરાના નશાના કાળા કારોબારમાં સંકળાયેલી અન્ય 'મોટી માછલીઓ'માં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
હોસ્ટેલના રૂમે તાળું, મોબાઈલ સ્વીચ ઓફ!: બરોડા મેડિકલ કોલેજનો MBBS વિદ્યાર્થી ક્યાં ગયો? 10 દિવસ છતાં કોઈ પત્તો નહીં
પ્રિસ્ક્રિપ્શન વગર મીઠાઈની જેમ વેચાતી હતી નશાકારક ગોળીઓ
તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા જ્યારે જાણવા મળ્યું કે Nitrazepam અને Alprazolam જેવી સાઈકોટ્રોપિક દવાઓ, જેનો ઉપયોગ ગંભીર માનસિક બીમારીમાં થાય છે, તેનું વેચાણ અહીં કોઈ પણ કાયદેસરના કાગળિયા વગર કરવામાં આવતું હતું. આ ઉપરાંત, નશાખોરોમાં ખાંસીની દવા તરીકે જાણીતી PB-REX અને BESCODEX જેવી 5 પ્રકારની નશાકારક સિરપનો હજારો બોટલનો જથ્થો હિસાબ વગરનો મળી આવ્યો હતો. આ એજન્સી દવાના વેપારના બહાને નશાના સોદાગર તરીકે કામ કરી રહી હોવાનું તપાસમાં ફલિત થયું છે.
ગુનાહિત ઇતિહાસ: તંત્રએ ત્રીજીવારમાં પાડી દીધા કાયમી તાળાં
શિવાની મેડિસિનનો ગેરરીતિઓનો ઈતિહાસ ઘણો જૂનો અને ગંભીર છે. તંત્ર દ્વારા અગાઉ પણ અનેકવાર તેને સુધરવાની તક આપવામાં આવી હતી:
2019માં: પ્રથમવાર ગંભીર બેદરકારી પકડાતા લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરાયું હતું.
2021માં: ફરીથી તપાસમાં નશાકારક સિરપનો ગેરકાયદે સ્ટોક પકડાતા કડક તાકીદ કરવામાં આવી હતી. જોકે, વારંવારની નોટિસો અને ચેતવણીઓ છતાં વેપારીએ પોતાનો કાળો કારોબાર ચાલુ રાખતા આખરે તંત્રએ લાયસન્સ કાયમી રદ કરવાનો આકરો નિર્ણય લીધો છે.
'તું મારી નહીં તો કોઈની નહીં', માત્ર એક શંકાએ લીધો યુવતીનો જીવ: પ્રેમીને શંકા હતી કે યુવતી છોડી દેશે એટલે યુવતીને દુનિયા છોડાવી દીધી
વડોદરામાં ‘ડ્રગ માફિયા’ સામે સઘન ઝુંબેશની તૈયારી
આ કડક કાર્યવાહી બાદ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય શંકાસ્પદ મેડિકલ સ્ટોર્સ અને એજન્સીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. ખાસ કરીને શેડ્યૂલ-એચ ડ્રગ્સનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરનારા એકમો હવે તંત્રના રડારમાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, યુવાધનને બરબાદ કરનાર કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં અને કાયદો પોતાનું કામ કડક રીતે કરશે.
'હવે બંગાળમાં ગુંડારાજ નહીં, રાષ્ટ્રવાદ ચાલશે': વડોદરા એરપોર્ટ પર મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીના મમતા બેનર્જી પર આકરા પ્રહાર
અધિકારીની પ્રતિક્રિયા:
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (વડોદરા)ના અધિકારીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કાર્યવાહી અન્ય મેડિકલ સ્ટોર્સ માટે એક સીધો સંદેશ છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા અને નશાખોરીને પ્રોત્સાહન આપનારા એકમોના શટર હંમેશા માટે બંધ થઈ શકે છે. -





