Home Gujarat Vadodara Baroda Medical College Mbbs Student Missing Since 10 Days Vadodara

હોસ્ટેલના રૂમે તાળું, મોબાઈલ સ્વીચ ઓફ! : બરોડા મેડિકલ કોલેજનો MBBS વિદ્યાર્થી ક્યાં ગયો? 10 દિવસ છતાં કોઈ પત્તો નહીં

Vadodara News, Medical Student Missing
Published by: Nirali Gohil
Last Updated: May 07, 2026, 04:14 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં MBBSના આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી છેલ્લા 10 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે. ગત 27 એપ્રિલના રોજ માતા સાથે અંતિમ વાર વાત કર્યા બાદ વિદ્યાર્થીનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો, ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પુત્ર લાપતા થતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે અને તેઓ વડોદરાથી લઈને રાજસ્થાન સુધી તેને શોધી રહ્યા છે. આ ઘટનાને પગલે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને મેડિકલ આલમમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે. મેડિકલના અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ આ પાછળ કારણભૂત છે કે કેમ, તે દિશામાં પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને હાલ એટીએમ (ATM) ના સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ પણ મજબૂત કડી હાથ લાગી નથી, જેને કારણે રહસ્ય વધુ ઘેરાયું છે.

હોસ્ટેલના રૂમે તાળું અને મોબાઈલ 'સ્વીચ ઓફ'

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વિદ્યાર્થી ગત 26 એપ્રિલે વડોદરા પરત ફર્યો હતો. તેણે પિતાને સુરક્ષિત પહોંચ્યાનો ફોન પણ કર્યો હતો. જોકે, બીજા દિવસે એટલે કે 27 એપ્રિલની સાંજે માતા સાથે વાત થયા બાદ તેનો સંપર્ક કપાઈ ગયો હતો. પરિવારજનો જ્યારે ચિંતાતુર થઈને વડોદરા હોસ્ટેલ પહોંચ્યા, ત્યારે પુત્રના રૂમ પર બહારથી તાળું લટકતું હતું. તેના મિત્રો પાસે પણ તે ક્યાં ગયો છે તેની કોઈ જ માહિતી નહોતી, જેણે પરિવારની ચિંતામાં વધારો કર્યો છે.

મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હોસ્ટેલથી રહસ્યમય રીતે લાપતા: રૂ.1600ના ટ્રાન્ઝેક્શન બાદ મોબાઈલ સ્વીચ ઓફ થતા રહસ્ય ઘેરાયું

ATM ફૂટેજમાં દેખાયો, પણ આગળ ક્યાં ગયો?

પરિવાર અને પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરતા એક મહત્વની કડી મળી હતી. સયાજી હોસ્પિટલની સામે આવેલા એસબીઆઈ (SBI) બેંકના એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી નાણાં ઉપાડતો નજરે પડ્યો હતો. આ ફૂટેજ તેના ગુમ થયા પહેલાના છેલ્લા લોકેશન તરીકે જોવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેનું કોઈ સચોટ લોકેશન કે સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા નથી.

રૂમ ન મળતા પોલીસકર્મીએ યુવકને વાળ ખેંચીને લાફા ઝીંક્યા: અમદાવાદમાં પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ

અભ્યાસનું તણાવ અને ATKT ની સમસ્યા

પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, ગુમ થયેલ વિદ્યાર્થી આઠમા સેમેસ્ટરમાં 'એટીકેટી' (ATKT) ધરાવતો હતો. આ વિષયને લઈને તે થોડો માનસિક તણાવમાં હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પરિવારજનોને આ બાબતની જાણ મોડી થઈ હતી. શું પરિણામના ડરે કે અભ્યાસના ભારણને કારણે વિદ્યાર્થીએ ઘર છોડ્યું છે? તે પ્રશ્ન હાલ તપાસનો વિષય બન્યો છે.

ગુજરાતમાં 4,000 કરોડના 2 નવા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપાશે: જાણો ગુજરાતને કેટલો થશે ફાયદો

વડોદરાથી રાજસ્થાન સુધી શોધખોળ, પોલીસ એલર્ટ

પુત્રને શોધવા માટે લાચાર પિતાએ અમદાવાદ, ગોધરા, વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખૂંદી વળ્યા છે. એટલું જ નહીં, વિદ્યાર્થીના સંભવિત લોકેશનને આધારે છેક રાજસ્થાનના કોટા સુધી તપાસ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રાવપુરા પોલીસે 'મિસિંગ પર્સન'ની નોંધ કરી ટેકનિકલ સર્વેલન્સ અને સીડીઆર (CDR) ની મદદથી તપાસ તેજ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now