અમદાવાદ: કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે સામાન્ય જનતા કોની પાસે ન્યાયની અપેક્ષા રાખે? અમદાવાદના ખાનપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગાંધીનગરમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સામાન્ય બાબતે પિત્તો ગુમાવીને એક યુવક પર હુમલો કર્યો છે. ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં રૂમ ભાડે ન મળતા આ પોલીસકર્મીએ પોતાની વર્દીનો રોફ જમાવી કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી અને તેને બેફામ માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેનાથી પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. પીડિત કર્મચારીએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ઘટનાની વિગત મુજબ, ખાનપુર સ્થિત ઘાંચી સમાજ ભવનમાં ગાંધીનગરમાં પોલીસ તરીકે ફરજ બજાવતા નવાઝ ગુલામ રસુલ નામના શખ્સે રૂમની માંગણી કરી હતી. ભવનના બુકિંગ કાઉન્ટર પર હાજર કર્મચારી શેખ મોહમદ ફરદીને વિનમ્રતાથી જણાવ્યું હતું કે હાલમાં કોઈ પણ રૂમ ખાલી નથી. આ સાંભળતા જ નવાઝ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કાયદો હાથમાં લીધો હતો.
ગુજરાતમાં 4,000 કરોડના 2 નવા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપાશે: જાણો ગુજરાતને કેટલો થશે ફાયદો
ઓફિસમાં ઘૂસી રજિસ્ટર ફંફોસ્યું અને કર્મચારીને લાફા ઝીંક્યા
રૂમ ન મળતા ગુસ્સે ભરાયેલા પોલીસકર્મીએ બુકિંગ ઓફિસની અંદર ઘૂસીને દાદાગીરી શરૂ કરી હતી. તેણે જાતે જ બુકિંગ રજિસ્ટર તપાસવાનું શરૂ કર્યું અને કર્મચારી ફરદીન પર રોફ જમાવ્યો હતો. બોલાચાલી વધતા નવાઝે ગાળાગાળી શરૂ કરી હતી અને જોતજોતામાં કર્મચારીને આડેધડ લાફા ઝીંકી દીધા હતા. ઓફિસની અંદર બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસકર્મી કઈ રીતે કર્મચારીને માર મારી રહ્યો છે.
દેહવ્યાપાર માટે બદનામ આખું ગામ: જ્યાં પરંપરાના નામે રમાતો હતો ‘દેહવ્યાપાર’નો ખેલ, જાણો આ ગામનો કલંકિત ઈતિહાસ અને બદલાતી તસવીર
પોલીસની કાર્યવાહી સામે સવાલો: સમાધાનના પ્રયાસોની ચર્ચા
ભોગ બનનાર કર્મચારીએ તાત્કાલિક શાહપુર પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે સીસીટીવી પુરાવા હોવા છતાં પોલીસે હજુ સુધી કોઈ મજબૂત કાર્યવાહી કરી નથી. ચર્ચાઓ મુજબ, આરોપી પોલીસકર્મી હોવાથી વિભાગ દ્વારા મામલાને થાળે પાડવા અથવા સમાધાન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિક સામે ત્વરિત પગલાં લેતી પોલીસ પોતાના જ કર્મચારીના મામલે કેમ ઢીલી પડી રહી છે, તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
GSEB 10th Result 2026: જાણો ક્યારે ભરાશે ફોર્મ?: ગુજરાત બોર્ડ ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી મળશે તક
શાહપુર પોલીસનું નિવેદન: 'કાયદો બધા માટે સમાન'
આ વિવાદ અંગે શાહપુર પોલીસના અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે: બંને પક્ષો એક જ સમાજના છે અને આરોપીના પિતા પણ સમાજમાં હોદ્દો ધરાવે છે. પીડિત પક્ષ તરફથી અત્યારે વધુ આગળ વધવાની ઈચ્છા જણાઈ રહી નથી. તેમણે અમને જણાવ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવી હશે તો તેઓ આવશે. અમે કોઈ સમાધાન કરાવ્યું નથી. જો ફરિયાદ પર પ્રોસેસ થશે, તો પોલીસકર્મી સામે પણ ચોક્કસ કાયદેસરના પગલાં લેવામાં આવશે.
રાજકોટ SOGનું નશા વિરોધી મોટું ઓપરેશન: 2.193 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા, રિક્ષા સહિત લાખોનો મુદ્દામાલ કબજે
મહત્વનું છેકે, હાલમાં તો આ કેસમાં કાગળ પર માત્ર અરજી જ થઈ છે. શું પોલીસ પોતાના સાથી કર્મચારીને બચાવશે કે પછી પીડિત યુવકને ન્યાય મળશે, તે આગામી સમયમાં જોવાનું રહેશે. પરંતુ આ ઘટનાએ ખાખી વર્દીની મર્યાદા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.





