Home Gujarat Wadia Village Banaskantha Prostitution History Saraniya Community Transformation

દેહવ્યાપાર માટે બદનામ આખું ગામ : જ્યાં પરંપરાના નામે રમાતો હતો ‘દેહવ્યાપાર’નો ખેલ, જાણો આ ગામનો કલંકિત ઈતિહાસ અને બદલાતી તસવીર

Wadia Village, Banaskantha
Published by: Nirali Gohil
Last Updated: May 07, 2026, 01:45 AM IST

બનાસકાંઠા: ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના વાડિયા ગામનું નામ સાંભળતા જ લોકોના મનમાં દેહવ્યાપારની છબી ઉપસી આવે છે. આ કોઈ સામાન્ય ગુનાખોરીનો અડ્ડો નથી, પરંતુ એક આખી જ્ઞાતિની વર્ષો જૂની પરંપરા અને મજબૂરીની કહાની છે. વાડિયા ગામમાં દાયકાઓથી મહિલાઓ દેહવ્યાપારના વ્યવસાયમાં જોડાયેલી હતી, જેની પાછળ સામાજિક કુરીવાજો અને આર્થિક પછાતપણું જવાબદાર રહ્યું છે.

દેહવ્યાપાર પાછળનો ઈતિહાસ અને ‘સારણિયા’ જ્ઞાતિ

વાડિયા ગામમાં મુખ્યત્વે 'સારણિયા' જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ સમુદાય મૂળભૂત રીતે વિચરતી જાતિ હતી, જેઓ તલવારો અને હથિયારોની ધાર કાઢવાનું કામ કરતા હતા. ઈતિહાસકારોના મતે, રાજા-રજવાડાઓના સમયમાં આ સમુદાયની સ્થિતિ મજબૂત હતી, પરંતુ સમય જતાં અને ટેકનોલોજી બદલાતા તેમનો પરંપરાગત વ્યવસાય છીનવાઈ ગયો. આર્થિક સંકડામણ અને શિક્ષણના અભાવે આ ગામની મહિલાઓ દેહવ્યાપારના માર્ગે વળી અને ધીરે ધીરે આ એક અનિચ્છનીય પરંપરા બની ગઈ.

પરંપરાનો ડર: ભાઈઓ જ બને છે બહેનોના ‘દલાલ’

વાડિયા ગામની સૌથી ભયાનક વાસ્તવિકતા એ હતી કે અહીં દેહવ્યાપારને સામાજિક સ્વીકૃતિ જેવું મળેલું હતું. આ ગામમાં એવી પ્રથા હતી કે પરિવારનો મોટો પુરુષ કે ભાઈ જ તેની બહેન કે દીકરી માટે ગ્રાહકો શોધી લાવતો હતો. ઘર ચલાવવા માટે સ્ત્રીઓના દેહનો સોદો કરવો એ આ ગામની મજબૂરી હતી. આ વ્યવસાયને કારણે ગામની અનેક દીકરીઓ ક્યારેય શાળાના પગથિયાં ચઢી શકી નહોતી.

2012નું વર્ષ: પરિવર્તનની પહેલી લહેર

વાડિયા ગામના ઈતિહાસમાં વર્ષ 2012 એક સીમાચિહ્નરૂપ સાબિત થયું. સામાજિક કાર્યકર મિત્તલ પટેલ અને તેમની સંસ્થા ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ (VSSM) ના પ્રયાસોથી ગામમાં પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક ક્રાંતિકારી ડગલું હતું, કારણ કે વર્ષોથી આ ગામની દીકરીઓના લગ્ન થતા નહોતા, તેમને માત્ર દેહવ્યાપાર માટે રાખવામાં આવતી હતી. આ સમૂહ લગ્નોએ ગામના યુવાનોને એક નવો માર્ગ બતાવ્યો.

વિકાસ અને નવી આશા

આજે વાડિયા ગામની તસવીર ધીરે ધીરે બદલાઈ રહી છે. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસોથી ગામમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. નવી પેઢીના યુવાનો હવે મજૂરી કે અન્ય વ્યવસાય કરીને ગુજરાન ચલાવવાનું પસંદ કરી રહ્યા છે. જોકે, બદનામીનું કલંક એટલું જૂનું છે કે તેને સંપૂર્ણપણે ભૂંસતા હજુ સમય લાગશે. ગામમાં હજુ પણ અનેક પરિવારો એવા છે જેઓ ગરીબીને કારણે જૂના માર્ગે પાછા વળવાનો ડર અનુભવે છે.

ઉલ્લેખનીય છે કે,વાડિયા ગામ માત્ર દેહવ્યાપારનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતીય સમાજની એ વ્યવસ્થાનો અરીસો છે જ્યાં શિક્ષણ અને તકની અછત માનવીને નૈતિકતા છોડવા મજબૂર કરે છે. આ ગામના ઉત્થાન માટે માત્ર કાયદાકીય કડકાઈ નહીં, પરંતુ સામાજિક સ્વીકૃતિ અને આર્થિક સદ્ધરતાની વધુ જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now