તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશભરમાં ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ પગલાને મોટા પ્રમાણમાં વિવાદોનો સામનો કરવો પડ્યો હતો, અને મુદ્દો સીધો સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો. હવે, મંગળવારની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ આ પ્રતિબંધ પાછળના મુખ્ય કારણો રજૂ કર્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અનુસાર ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ્સનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકવાદી નેટવર્કને નાણાં સપ્લાય કરવા માટે સક્રિય રીતે થતો હોવાનું પુરાવાઓ દર્શાવે છે. સરકારનું મંતવ્ય છે કે આ પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સુરક્ષાને સીધો ખતરો ઊભો કરે છે અને જાહેર વ્યવસ્થા તથા દેશની અખંડિતતા માટે જોખમી છે.
કોર્ટમાં શું રજૂ કર્યું કેન્દ્ર સરકારે
સોગંદનામામાં જણાવાયું કે તપાસથી જાણવા મળ્યું છે કે અનેક ઓનલાઈન ગેમિંગ કંપનીઓ નાના અને ટેક્સ-ફ્રેન્ડલી દેશોમાંથી ઓપરેટ થઈ રહી છે. ભારતમાં ખોલાતા ઘણા ગેમિંગ એકાઉન્ટ કાલ્પનિક ઓળખના આધારે બનાવવામાં આવે છે. આ ખાતાઓમાં એકત્રિત થતું ભંડોળ ગેરકાયદેસર રીતથી વિદેશ સ્થિત ઓપરેટરો સુધી પહોંચાડવામાં આવે છે, જેને કારણે મની લોન્ડરિંગ અને સંભવિત આતંકવાદ ભંડોળની ચેન મજબૂત થઈ રહી છે.
સરકાર મુજબ આવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સતત મળી આવતા હોવાથી ઓનલાઈન મની ગેમિંગ ક્ષેત્ર પર સખ્ત નિયંત્રણ અથવા પ્રતિબંધ મૂકવો ફરજિયાત બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર માને છે કે ઓનલાઈન ગેમિંગ સંબંધિત નિયમો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે જ છે.
નવી કાયદાકીય વ્યવસ્થાનું ઉલ્લેખ
કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રને નિયંત્રિત કરવા માટે ‘Promotion and Regulation of Online Gaming Act’ તૈયાર કર્યો હતો. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. જોકે, કાયદો હજી સૂચિત (notified) ન થયેલા કારણે તેને અમલમાં લાવવામાં આવ્યો નથી.
સરકારનું કહેવું છે કે જ્યારે સુધી ગેરકાયદે નાણાપ્રવાહ અને આતંકી ફંડિંગને ટેકો આપી રહેલી બેકડોર ગેમિંગ ચેનલ્સ નિયંત્રણમાં નહીં આવે, ત્યાં સુધી રાષ્ટ્રસુરક્ષા માટે જોખમ યથાવત રહેશે. કોર્ટમાં ચાલતી સુનાવણી હવે આ પ્રતિબંધના ભવિષ્ય અને ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગના નિયમન પર મહત્વપૂર્ણ અસર પેદા કરી શકે છે.





















