અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની નિર્દય હત્યાની ઘટના બાદ આખરે 43 દિવસ પછી સ્કૂલ ફરીથી શરૂ કરવામાં આવી છે. 19 ઓગસ્ટના રોજ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની નયનની અન્ય વિદ્યાર્થીએ સ્કૂલની અંદર જ હત્યા કરી હતી. આ દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરમાં આક્રોશ અને શોકનો માહોલ સર્જી દીધો હતો. ત્યારબાદ સ્કૂલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને શિક્ષણને ઓનલાઈન મોડમાં ચલાવવામાં આવ્યું હતું.
60 CCTV કેમેરા લગાવવામાં આવ્યા
હવે લાંબા સમય બાદ સ્કૂલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કર્યું છે. સુરક્ષા વ્યવસ્થામાં ઘણો મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે. સ્કૂલના કેમ્પસમાં નવા 60 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને 20 સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે પહેલા તેમની બેગની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી છે, જેથી સુરક્ષામાં કોઈ ખામી ન રહે.
નયનને શ્રદ્ધાંજલિ આપી
સ્કૂલના ફરીથી શરૂ થવાના પ્રથમ દિવસે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નયનને શ્રદ્ધાંજલિ આપી અને મૌન પાળને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્કૂલ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ હવે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વધુ સજાગ અને પ્રતિબદ્ધ છે.