વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ગઈકાલે મોડી સાંજે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા અચાનક રેડ પાડી મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી. વાપીના પોશ વિસ્તાર ગણાતા ચલામાં આવેલા એક બંગલામાં ATS ની ટીમે છાપો મારી ભારે માત્રામાં ડ્રગ્સ ઝડપ્યું હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ રહી કે જ્યારે ATS રેડ માટે પહોંચી ત્યારે વાપી સ્થાનિક પોલીસ સંપૂર્ણ રીતે અસમંજસમાં અને નિષ્ક્રિય જણાઈ એટલે કે આખી ઘટના દરમિયાન વાપી પોલીસ 'ઊંઘતી' રહી હતી.
બે શંકાસ્પદ લોકોની અટકાયત
આ ઓપરેશન દરમિયાન ATS એ બે શંકાસ્પદ લોકોને તાત્કાલિક અટકાયત કરી તેમની પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એ ખુલાસો થયો છે કે આ બંગલામાંથી MD ડ્રગ્સ (મેથેડ્રોન) જેવી સંભવિત ઘાતક નશીલી દવાઓ રાખવામાં આવતી અને તે અહીંથી સપ્લાય થતી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસમાં હવે મોટા ગજાના લોકોના નામો બહાર આવવાની પણ શકયતા જણાઈ રહી છે.
ATS સાથે વલસાડ SOG પણ જોડાઈ
હાલમાં ATS સાથે વલસાડ SOG (Special Operations Group) ની ટીમ પણ જોડાઈને સમગ્ર ઓપરેશનને આગળ ધપાવી રહી છે. આખી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસની કામગીરી ઝડપથી આગળ વધારાઈ રહી છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.