જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તે લગભગ નક્કી છે, ત્યારે તેમણે આજે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું છે. ચર્ચા મુજબ અન્ય કોઈપણ દાવેદારી પણ નહીં નોંધાવે. જેના પગલે તેઓ બિન હરીફ ભાજપ પ્રદેશ પ્રમુખ બની જશે.
જગદીશ પંચાલે ભાજપ પ્રમુખની દાવેદારી ફોર્મ ભર્યું
જગદીશ પંચાલે ગુજરાત કમલમ ખાતે પહોંચીને પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે. જે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. સી.આર.પાટીલ બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ મુદ્દે લાંબા સમયથી અલગ-અલગ અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.જોકે, આ અટકળોનો હવે અંત આવી ગયો છે. આજે જગદીશ વિશ્વકર્માએ કમલમાં એન્ટ્રી કરી ત્યારે ચૂંટણી પહેલાં જ નવા પ્રદેશ પ્રમુખને વધામણાં કરવા માટે ત્યાં ભાજપના નેતાઓની ફોજ ત્યાં હાજર હતી.
ચૂંટણી બિનહરીફ થશે!
અમદાવાદના નિકોલથી ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ અધ્યક્ષપદની ચૂંટણી માટે ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે 10 ટેકેદારો સાથે આજે બપોરે વિજય મૂર્હતમાં ફોર્મ ભર્યું. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિક પટેલ સહિતના 10 ટેકેદારોની ફોજ સાથે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખના પદ માટે પોતાની દાવેદારી નોંધાવી. ચૂંટણી બિનહરીફ રહીને આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખના નામની ઔપચારિક જાહેરાત થશે.
ઋષિકેશ પટેલે શું કહ્યું?
ઋષિકેશ પટેલે કહ્યું કે, 'આખી ચૂંટણી પ્રક્રિયા ચાલે છે, ફોર્મ ભરાશે અને એના આધારે નક્કી થશે તેમજ પાર્ટીના નેતા, અમારું હાઇકમાન્ડ બેસી નક્કી કરશે પ્રમુખ કોણ બનશે. પ્રમુખની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરાશે. ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ બધા કાર્યકર્તાઓ છે. જે જિલ્લા પણ સંભાળી શકે અને રાજ્ય પણ સંભાળી શકે તેમ છે. જે પણ કોઈ હોય, બધા કાર્યકર્તાઓ જે પ્રમુખ બને એને સપોર્ટ જ કરશે'.