Gujarat Police: એક તરફ દિન-પ્રતિદિન ગુજરાતમાં ગુનાઈત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. ગુનેગારોમાં પણ હવે પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી. નશાખોરી, જાહેરમાં મારામારી, લૂંટ અને હત્યા જેવા બનાવોને કારણે ગુજરાતની છબિ સતત ખરડાઈ રહી છે. ઘણાં કિસ્સાઓમાં પોલીસ પણ ફરિયાદ દાખલ ન કરતી હોવાનું સામે આવે છે. ત્યારે આવી સ્થિતિમાં નાગરિકોએ શું કરવું, કોને ફરિયાદ કરવી?
જો તમે કોઈ મુશ્કેલીમાં ફસાયા છો અથવા તો તમને કોઈના દ્વારા સતત હેરાનગતિ થઈ રહી છે. તો તમે કાયદાની મદદ લઈ શકો છો. જો પોલીસ પણ તમારી ફરિયાદ લેવાનો ઈન્કાર કરે છે તો તમે સીધા જ ગુજરાત પોલીસના વડાને તમારી ફરિયાદ કરી શકો છો. આના માટે તમારે માત્ર ઘરે બેઠાં ગુજરાત રાજ્યના પોલીસ વડાને સોશિયલ મીડિયા પર ટેગ કરીને તમારી કમ્પલેઈન કરવાની રહેશે. ખુદ ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ મુકીને તેની જાહેરાત કરી છે.
સ્થાનિક પોલીસ ફરિયાદ નથી લેતી તો ચિંતા ના કરશો. હવે ગુજરાત પોલીસે ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા આ નવી પહેલ કરી છે. હવેથી નાગરિકો ઓનલાઈન ફરિયાદ કરી શકશે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોલીસને ટેગ કરીને ફરિયાદ કરી શકાશે. આ પ્રકારે ફરિયાદ કરવામાં આવશે તો પોલીસ તુરંત જ કાર્યવાહી કરી શકશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ નવી પહેલ અંગે નાગરિકોને જાણકારી આપી છે.
પોલીસ હવે સોશિયલ મીડિયામાં કરેલી નાગરિકોની પોસ્ટને ધ્યાનમાં લઈને સમાધાન સહિત જરૂરી કાર્યવાહી કરીને ફરિયાદ નિવારણ કરવાનો પ્રયાસ કરશે. નાગરિકો સોશિયલ મીડિયામાં ગુજરાત પોલીસને ટેગ કરીને ફરિયાદ કરી શકશે. નાગરિકોને આ નવી પહેલમાં સહકાર આપવા માટે પણ રાજ્ય પોલીસ વડાએ અપીલ કરી છે.