બોટાદ જિલ્લાના હડદડ ગામે તાજેતરમાં થયેલી પથ્થરમારાની ઘટના મામલે રાજકીય ગરમાવા વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આકરું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આમ આદમી પાર્ટી (AAP) પર આરોપ મૂકતા જણાવ્યું કે, "AAP પાર્ટી મુદ્દા આધારિત રાજનીતિ કરતી નથી, પરંતુ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે."
"દિલ્હી અને પંજાબની હાલત જોઈ લેજો''
ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, "ગામમાં તોફાનો કરનાર લોકો બહારથી લવાયા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ આખી ઘટનાઓ પૂર્વનિયોજિત રીતે રાજકીય લાભ માટે ચલાવાઈ રહી છે." તેમણે આ ઘટનાને લાઈટમાં લઈ કહ્યું કે, "દિલ્હી અને પંજાબની હાલત જોઈ લેજો, હાલત કેવી બનાવી છે, એ સૌ જાણે છે. હવે આવી જ ઉશ્કેરણી ગુજરાતમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
''કૃષિના ટેકાના ભાવમાં 6-7% નો વધારો કેન્દ્ર સરકારે કર્યો છે''
કપાસની ખરીદી અને કૃષિ મુદ્દે પણ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, "કપાસના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સમયસર સૂચનાઓ આપવામાં આવી છે. ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે સરકાર પર તેમના વિશ્વાસનું પ્રતિબિંબ છે." તેમણે જણાવ્યું કે કે, ''કૃષિના ટેકાના ભાવમાં 6-7% નો વધારો કેન્દ્ર સરકારે કર્યો છે, મગફળી માટે 9 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતોને પૂરતી વીજળી, પાણી અને સહાય સરકાર આપતી રહે છે''.
"ખેડૂતનો વિષય સાચો મુદ્દો નથી, પરંતુ રાજકીય બહાનું છે''
ઋષિકેશ પટેલે આમ આદમી પાર્ટી પર વધુ આક્ષેપ કરતા કહ્યું કે, "ખેડૂતનો વિષય સાચો મુદ્દો નથી, પરંતુ રાજકીય બહાનું છે. લાઠીધારક તત્વો બહારથી લાવ્યા, તેમને સહારો કોણે આપ્યો એ મોટો પ્રશ્ન છે." તેમણે કહ્યું કે, "AAP એ દિલ્હીમાં કેજરીવાલના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર કર્યા, જેલમાં ગયા અને હવે ગુજરાતમાં પણ ઉશ્કેરણીનો રસ્તો અપનાવવાનો પ્રયાસ કરે છે."