બોટાદ જિલ્લાના હડદડ ગામે AAP અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ પછી, ગુજરાતની રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે “કાળો દિવસ” તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. ચિકદા તાલુકાના કરતળ ગામે પાર્ટીના નેતા ચૈતર વસાવા અને અન્ય કાર્યકર્તાઓએ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
''... તરત રાજીનામું આપવું જોઈએ''
ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો કે, "ભાજપના ઈશારે પોલીસ દ્વારા કરાયેલા અત્યાચાર અને લાઠીચાર્જના વિરોધમાં આજે AAP 'કાળો દિવસ' ઉજવી રહી છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "30 વર્ષથી ગુજરાત પર શાસન કરતી ભાજપ સરકાર અને તેનું મંત્રીમંડળ કૃષિ મુદ્દે નિષ્ફળ સાબિત થયું છે. કૃષિ મંત્રીએ તરત રાજીનામું આપવું જોઈએ, પોલીસે આખું ગામ ઘેરી લીધું અને ઘરના દરવાજા તોડી નાખ્યા"
''રાજકીય ઈશારે પોલીસે આખું હડદડ ગામ ઘેરી લીધું''
ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે, "ભાજપના રાજકીય ઈશારે પોલીસે આખું હડદડ ગામ ઘેરી લીધું અને લાઠીચાર્જ કર્યો, નાસભાગ બાદ ખેડૂત ઘરમાં છૂપાઈ ગયા તો ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા" તેમણે કહ્યું કે, "ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારે જગતના તાતને આજે ન્યાય માટે રઝળવતો છોડી દીધો છે, આવી ઘર્ષણસભર નીતિઓના કારણે ખેડૂત વિરોધી ચહેરો સામે આવ્યો છે. BJP ખેડૂતના દુઃખને સમજે નહીં અને તેના અવાજને દબાવવા પોલીસનો ઉપયોગ કરે છે."






