અમદાવાદના પાલડીમાં કોચરબ આશ્રમ પાછળના નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા શેખના બંગલાના અનધિકૃત ભાગને તોડી પાડવા માટે AMCએ હુકમ કર્યો હતો. જે મામલાને હાઇકોર્ટમાં મુસ્તુફા શેખ અને ડૉ. દિલીપ મોદી દ્વારા પડકારવામાં આવ્યો હતો. આ મામલે આજે વધુ સુનવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટે GRUDAના નિયમ હેઠળ સરકારમાં પેન્ડિંગ અપીલ સુધી બાંધકામ તોડવા પર સ્ટે યથાવત રાખ્યો. જો અરજદાર વિરુદ્ધ હુકમ થાય તો પણ કોર્પોરેશન અરજદારને પુરતો વાજબી સમય આપશે એવું કોર્ટે અવલોકન કર્યું છે.
મુસ્તુફા બંગલાનો મામલો
મુસ્તુફા શેખના બંગલાના અનધિકૃત બાંધકામને તોડવા અમદાવાદ કોર્પોરેશને 60 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે ટીમ મોકલી હતી. પરંતુ હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ડિમોલિશન થઈ શક્યું ન હતું. AMC એ રજૂઆત કરી હતી કે કોર્પોરેશનની પરવાનગી વિના આ બાંધકામોમાં મૂળતઃ ફેરફારો કરી નવું સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયુ છે. કોર્પોરેશન દ્વારા પ્રવર્તમાન કાયદાનો હવાલો આપી આ કામગીરી યોગ્ય હોવાનો દાવો કરાયો હતો.
અરજદારના વકીલ અને કોર્ટે શું કહ્યું?
આ કેસમાં 25 સપ્ટેમ્બર 2025 AMCના હુકમને અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી. અરજદારે કહ્યું હતું કે AMC નો ઓર્ડર અને આ અરજી ફાઇલ થયા પછી ડિમોલિશન કરવા મહાનગરપાલિકાની ટીમ અરજદારના ઘરે પહોંચી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ અરજી પેન્ડિંગ હોય ત્યારે ડિમોલિશન કરી શકાય નહીં. આમ AMC સુપ્રીમ કોર્ટના નિર્દેશો પાડવામાં નિષ્ફળ નીવડી છે. સામે AMC તરફથી કેટલાક ફોટા કોર્ટ સમક્ષ મુકાયા હતા. જેમાં અરજદાર દ્વારા બંગલામાં કરાયેલ ફેરફાર અને અનધિકૃત બાંધકામને દર્શાવવામાં આવ્યું હતું. GPMC એક્ટ મુજબ પગલાં લેવાયા હોવાનું AMC નું કહેવું હતું. આ અંગે અગાઉ અરજદારોને નોટીસ અપાઈ હોવાનું પણ AMC નું કહેવું હતું. AMC એ કહ્યું હતું કે, અરજદારને કોઈ ઓથોરિટી તરફથી સ્ટે મળેલ નથી. જેથી મહાનગરપાલિકાએ પ્રોસિજર મુજબ જ કાર્યવાહી હાથ ધરી છે.






