બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શનિવારે હજારો ખેડૂતો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા મધરાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કપરાડાની અટકાયત કરી હતી. આ મમલે વધુ એક અપડેટ સામે આવ્યું છે. બોટાદ કિસાન મહાપંચાયતમાં AAP કાર્યક્રતાઓ સાથે ઇસુદાન ગઢવીનાં કાફ્લાને પોલીસે બગોદરા પાસે રોકવામાં આવ્યો છે.
નજરકેદમાં રેશ્મા પટેલ
બોટાદ કિસાન મહાપંચાયતમાં હાજરી ન આપી શકે એટલા માટે આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા રેશ્મા પટેલને જુનાગઢના તેમના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યાં છે.
શું છે સમગ્ર મામલો?
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શનિવારે હજારો ખેડૂતો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો કપાસના વેપારીઓ સામે ઉગ્ર બન્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેન શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો.
સ્થળ પર મોટી સંખ્યામાં ખેડૂતો બેસીને નારાબાજી કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા મધરાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કપરાડાની અટકાયત કરી હતી. રાજુ કપરાડાની અટકાયત બાદ ખેડૂતો વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસ સામે નારાબાજી કરી હતી. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેને કારણે યાર્ડ વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.
ખેડૂતોનો આરોપ છે કે કપાસના વેપારીઓ ખોટા તોલ, ખોટા ભાવે ખરીદી અને ગેરરીતિઓ દ્વારા ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તપાસ કરે અને કપાસના ભાવમાં ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરે.