બોટાદ જિલ્લાના હડદડ ગામે કડદા મુદ્દે યોજાયેલી ખેડૂત પંચાયત દરમ્યાન તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. પંચાયત દરમિયાન પોલીસ અને ગામલોકો વચ્ચે અચાનક બબાલ સર્જાતા પથ્થરમારાની ઘટના બની હતી. લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
પથ્થરમારા દરમ્યાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસની ગાડી તોડી પાડવામાં આવી હતી, જ્યારે એક ગાડી ઉંધી વાળી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે પોલીસનો જંગી કાફલો ખડકાયો હતો અને પરિસ્થિતિ વધુ વણસે નહિ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અનેક લોકોની અટકાયત, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા
જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આપેલી પ્રાથમિક માહિતી મુજબ, પથ્થરમારા બાદ સંખ્યાબંધ લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાલ સ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની અધિકૃત મંજૂરી લીધા વિના ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસને ત્યાં હાજર થવું પડ્યું હતું.
હડદડ ગામે થયેલી આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં પોલીસ એલર્ટ પર મૂકાઈ છે. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તણાવગ્રસ્ત વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાતી કરવામાં આવી છે.