બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડુતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના મામલે હવે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ સમગ્ર ઘટના માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવતાં ગંભીર આક્ષેપો કર્યા છે.
''રાજકીય ફાયદા માટે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે"
મનહર માતરિયાના જણાવ્યા અનુસાર, છેલ્લા 3-4 દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા કડદાના મુદ્દે ખાસ હલ્લાબોલ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, "AAP એ જાણે ખેડૂતનો મસીહા બનીને આંદોલન શરૂ કર્યું હતું, પણ વાસ્તવમાં તેઓ ખેડૂતના હિતમાં નહીં, પણ રાજકીય ફાયદા માટે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે."
''મહાપંચાયત પૂર્વનિયોજિત હતી''
ચેરમેનના મતે, હડદડ ગામે યોજાયેલી મહાપંચાયત સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીનું પૂર્વ આયોજિત આયોજન હતું. AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવિણ રામે બહારથી મોટી સંખ્યામાં કાર્યકરો બોલાવ્યા હતા અને મંજૂરી વિના સભા યોજી હતી.
''બહારથી આવેલા કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો"
તેમણે આરોપ મૂક્યો કે, "સભા દરમિયાન AAPના નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો કરીને સ્થાનિક લોકોને ભડકાવ્યા, જેના કારણે તણાવની સ્થિતિ ઊભી થઈ. પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા હસ્તક્ષેપ કર્યો ત્યારે બહારથી આવેલા કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો."
પથ્થરમારાના વીડિયો આધારે ધરપકડ
મનહરભાઈએ વધુમાં જણાવ્યું કે, "પથ્થરમારાની ઘટનામાં જે લોકો સામેલ હતા તેઓ વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, તેથી પોલીસે ફક્ત દોષિત વ્યક્તિઓની જ ધરપકડ કરી છે, કોઈ નિર્દોષને તકલીફ નથી પહોંચાડી."
ચૂંટણીની રાજકીય વ્યૂહરચનાનો ભાગ?
ચેરમેનના જણાવ્યા અનુસાર, "AAPના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, રાજુ કરપડા હવે જ્યારે જિલ્લા, તાલુકા અને પંચાયતની ચૂંટણી નજીક છે, ત્યારે તેઓ ખેડુતોને ઉશ્કેરવા અને તેમની પાસેથી મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે."