બનાસ ડેરીની દાંતા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર અમરતજી પરમારએ મહત્વપૂર્ણ વિજય નોંધાવી છે. દાંતા બેઠક પર અમરતજી પરમારે કુલ 55 મત મેળવી પોતાના પ્રતિસ્પર્ધી દિલીપસિંહ બારડને 25 મતના અંતરથી હાર આપી હતી. દિલીપસિંહ બારડને કુલ 30 મત મળ્યા હતા. ગઈકાલે યોજાયેલી આ ચૂંટણીમાં 100% મતદાન થયું હતું, જેમાં પશુપાલક સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ અમરતજી પરમારના સમર્થકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. વિજયી ઉમેદવાર અમરતજી પરમારને સમર્થકોએ ફૂલહાર પહેરાવી ગરમાગરમ સ્વાગત કર્યું અને વિજયોત્સવ મનાવ્યો. વિજય બાદ અમરતજી પરમારે પશુપાલકો તથા પક્ષના તમામ કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ રીતે થઈ ગઈ હતી, જ્યારે દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર જ સૌથી વધુ ચહલપહલ અને ઉત્સુકતા જોવા મળી હતી, કારણ કે આ બેઠક શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠા સાથે સીધી રીતે જોડાયેલી માનવામાં આવી રહી હતી. અમરતજી પરમાર આ પ્રતિષ્ઠાની લડાઈમાં શંકરભાઈના વિશ્વાસ પર ખરા ઉતર્યા છે.
બીજી તરફ, હારનો સામનો કરનાર ઉમેદવાર દિલીપસિંહ બારડના સમર્થકોએ આખી રાત કલેકટર કચેરીમાં વિતાવી હતી અને પરિણામ અંગે ચર્ચા કરતા રહ્યા હતા. દાંતા બેઠક પર અમરતજી પરમારનો આ વિજય બનાસ ડેરીના રાજકારણમાં એક મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે, જે ભાજપ માટે પ્રતિષ્ઠા અને પ્રભાવ બંનેમાં વધારો કરે છે.