મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકો માટે પરિવહન સેવાઓને વધુ સુગમ અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર ખાતે 201 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ કર્યું. આ નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નાગરિકોની સુવિધા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.
4,200 વધારાની બસોનું સંચાલન
આ પ્રસંગે મુખ્યમંત્રીએ દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના લોકોને તેમના પરિવાર સાથે જોડાવા માટે સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા 4,200 વધારાની બસોના સંચાલનનો પણ શુભારંભ કર્યો. આ પહેલ નાગરિકોને તહેવારો દરમિયાન સરળ અને સમયસર પરિવહન સેવા પૂરી પાડશે.ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.) દૈનિક 8,000થી વધુ બસોનું સંચાલન કરે છે, જે દરરોજ 33 લાખ કિલોમીટરનું અંતર કાપીને 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે.
બસના ડ્રાઇવરો અને કંડક્ટરોનું સન્માન
તાજેતરમાં ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી મેળા માટે 28,000થી વધુ, આસો નવરાત્રિ માટે પવાગઢ ખાતે 22,000થી વધુ અને જન્માષ્ટમી માટે 7,000થી વધુ ટ્રિપ્સનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જે નિગમની કાર્યક્ષમતા અને સેવાભાવનું પ્રતીક છે. લોકાર્પણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ બસના ડ્રાઇવરો અને કંડક્ટરોનું સન્માન કર્યું અને રાજ્યના નાગરિકોને સુરક્ષિત, આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે નવી ટેકનોલોજી અને માળખાગત સુધારણાઓ પર ભાર મૂક્યો.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર વિભાગ અને એસ.ટી. નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ નવી પહેલ ગુજરાતના નાગરિકો માટે પરિવહન સેવાઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.