ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે રાષ્ટ્રપતિ સોમનાથ મહાદેવના દર્શન અને સાસણ ગીરની મુલાકાત લેશે.
સવારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને સાસણ ગીરમાં જઈને એશિયાઈ સિંહોનું દર્શન કરશે. સાસણ દરમિયાન તેઓ ગીરમાં વસતા આદિવાસી સમાજના લોકો સાથે પણ મુલાકાત કરશે અને રાત્રિ રોકાણ સાસણમાં જ કરશે. આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ દ્વારકા જવા રવાના થશે.
સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરવામાં આવ્યો છે.
પોલીસ વિભાગ દ્વારા 9 ઓક્ટોબરે સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવી હતી, જ્યારે વનવિભાગે સિંહ સફારી રૂટનું નિરીક્ષણ, વન્યજીવોનું મોનિટરિંગ અને અન્ય તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
આદિવાસી સમાજ સાથે સંવાદ
સાસણ ગીરની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ સ્થાનિક આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.
તેઓ આદિવાસીઓ દ્વારા જંગલ અને વન્યજીવ સંરક્ષણમાં આપેલા યોગદાનને બિરદાવશે અને સહયોગ માટે આભાર વ્યક્ત કરશે.
સાસણ ગીરની મુલાકાત લેનાર ચોથા રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુ એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન સાસણ ગીરની મુલાકાત લેનાર ભારતના ચોથા રાષ્ટ્રપતિ બન્યા છે.
આ પહેલા
1950માં: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ,
2009માં: પ્રતિભા પાટીલ,
2018માં: રામનાથ કોવિંદે
સાસણની મુલાકાત લીધી હતી.




















