ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા પછી જગદીશ વિશ્વકર્મા આજથી પોતાના રાજ્યવ્યાપી પ્રવાસની શરૂઆત અંબાજી મંદિરે માતાજીના દર્શનથી કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે કાર્યકર્તા મહાસંમેલનોમાં સંબોધન કરશે અને સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
અંબાજીથી મહેસાણા સુધીનો પહેલો દિવસ
સવારે 9 વાગ્યે તેઓ અંબાજી મંદિર ખાતે પૂજા-અર્ચના કરીને યાત્રાનો પ્રારંભ કરશે. ત્યારબાદ 11 વાગ્યે પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન યોજાશે, જેમાં તેઓ સંબોધન આપશે. ત્યાંથી બનાસકાંઠાના આગેવાનો સાથે ભોજન બાદ બપોરે ઊંઝા પહોંચીને ઉમિયા માતાજીના દર્શન કરશે.
બપોરે 4 વાગ્યે તેઓ મહેસાણા પહોંચી કાર્યકર્તાઓ સાથે ભેટઘાટ કરશે.
યાત્રા દરમિયાન આવતા ગામોમાં કાર્યકર્તાઓ સ્વાગત માટે તૈયાર છે, અને સાંજે તેઓ કલોલમાં GST રાહત અભિયાન હેઠળ સ્ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં જોડાશે. દિવસનો અંત સાંજે 7:15 વાગ્યે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનારા નમોત્સવ કાર્યક્રમથી થશે.
અભિનંદન માટે અનોખી પહેલ, ફૂલ નહીં, ચોપડા સ્વીકારશે
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અનોખી પહેલ હાથ ધરી છે. તેઓ અભિનંદનરૂપે મળતા ફૂલહાર કે મોમેન્ટોની જગ્યાએ પાઠ્યપુસ્તકો અને ચોપડાઓ સ્વીકારશે. આ પુસ્તકો પછી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ભેટરૂપે આપવામાં આવશે, જેથી શિક્ષણને પ્રોત્સાહન મળે.
રાજ્યભરમાં છ મોટા મહાસંમેલન
આ પ્રવાસ દરમિયાન જગદીશ વિશ્વકર્મા કુલ છ સ્થળોએ કાર્યકર્તાઓને સંબોધશે.
11 ઑક્ટોબર: સુરતના તાપી જિલ્લામાં મહાસંમેલન, જેમાં કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે.
14 ઑક્ટોબર: વડોદરામાં રેલી અને મહાસંમેલન, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
15 ઑક્ટોબર: રાજકોટ ખાતે રાજકોટ અને મોરબી જિલ્લાના સંયુક્ત મહાસંમેલનમાં ભાગ લેશે.
17 ઑક્ટોબર: અમદાવાદમાં લેઉવા પટેલ સમાજ સંમેલન અને ત્યારબાદ રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તા મહાસંમેલન યોજાશે.
યાત્રા માર્ગમાં બાવળા, બગોદરા, લીમડી, સાયલા, ચોટીલા અને કૂવાડવા જેવા ગામોમાં કાર્યકર્તાઓ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરશે.
પ્રવાસ સંકલન ટીમ
આ સમગ્ર પ્રવાસની વ્યવસ્થા માટે રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે, પ્રદેશ સહપ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલ, અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈને ઇન્ચાર્જ તરીકે નિમવામાં આવ્યા છે.