સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ગેંગને ઇકોનોમિક સેલે પકડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આ કેસમાં નિકુંજ આંબલીયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટી એમ ચાર આરોપીઓને ધરપકડ કરી છે. આ ઈસમોએ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અનેક હીરા વેપારીઓ પાસેથી હીરા ખરીદ્યા હતા અને પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયા હતા. પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરીને માત્ર 24 કલાકમાં આ આરોપીઓ પાસેથી રૂ. 4.05 કરોડના 6 ડાયમંડ રિકવર કર્યા છે. રિકવર થયેલા હીરાનું GIA સર્ટિફિકેશન પણ કરાવ્યું છે.
આરોપીઓએ રેપનેટ (Rapnet) એપ્લિકેશન મારફતે વિવિધ હીરા વેપારીઓ સાથે સંપર્ક કર્યો હતો. તેઓ દુબઈ અને હોંગકોંગના બાયર તરીકે પોતાની ઓળખ આપી વેપારીઓને વિશ્વાસમાં લેતા હતા. તેઓ “આર્સન ઈસાકો” નામથી વર્ચ્યુઅલ નંબર પરથી ફોન કરતા અને વેપારીઓને કહેતાં કે સાત દિવસમાં પેમેન્ટ કરી દેવામાં આવશે. વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે આ ઈસમોએ eximpedia નામની વેબસાઈટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીના ફોટા ડાઉનલોડ કર્યા અને વિદેશી કંપનીના નામે વાતચીત કરતાં હતા.
આ ગેંગે સુરતના જાણીતા હીરા વેપારીઓ સંજય ગોટી, હર્ષિત મહેતા, વિનય કેડિયા, રાહીલ મહેતા, જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઈસમો અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા અને કોરોનાની અસર બાદ તેમના ધંધામાં ભારે નુકસાન થયું હતું. તેઓ દેવામાં ડૂબી ગયા હતા અને પરિવારના દાગીના પણ ગીરવે મુક્યા હતા. અંતે અનુજ અને ચેતને દેવું ચૂકવવા માટે આ છેતરપિંડીની યોજના બનાવી અને અન્ય સાથીઓને સાથે લઈને આ કાવતરું રચ્યું હતું.
પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ પાસેથી મળેલા હીરાની કિંમત 4.05 કરોડ રૂપિયા છે જ્યારે કુલ છેતરપિંડીની રકમ લગભગ 4.80 કરોડ સુધી પહોંચે છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને આશા છે કે વધુ અસરગ્રસ્ત વેપારીઓની ફરિયાદો પણ મળી શકે છે.




















