ફિલ્મજગતના સૌથી પ્રતિષ્ઠિત એવો 70મો ફિલ્મફેર એવોર્ડ 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયા ખાતે યોજાશે. આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈ નેતાઓ, અભિનેતાઓ સામેલ થશે. આ ગ્રાન્ડ ઇવેન્ટને શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ ત્રણેયની જોડી રાતને યાદગાર બનાવશે. વાત એ છે કે, તેઓ 17 વર્ષના લાંબા સમય બાદ આ એવોર્ડને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. અભિષેક બચ્ચન, અક્ષય કુમારના વેલકમ માટે ITC નર્મદા હોટેલમાં કોકોનટ લાડુ, આટા લાડુ, મોહનથાળ, મિલ્ક ચોકલેટ ફજ અને પિનોટ બટર બ્રાઉની તૈયાર કરવામાં આવ્યા હતા.
આ ઇવેન્ટને લઈ કાંકરિયા ખાતે આવેલા એકા ક્લબમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કુલ સાત જેટલા ગેટમાંથી લોકો પ્રવેશ મેળવી શકશે. જેમાં VIP અને VVIP માટે અલગ એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યો છે ત્યારે જે લોકો ટિકિટ ખરીદીને આવવાના છે તેમને પણ અલગ અલગ ગેટ પરથી પ્રવેશ આપવામાં આવશે.
ફિલ્મફેર એવોર્ડ જોવા માગતા લોકો માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આવેલા શ્રી સમર્પણ હોલ નજીક બોક્સ ઓફિસ (ટિકિટ વિન્ડો) બનાવવામાં આવી રહી છે, જ્યાંથી લોકો 5,000થી લઈ 50 હજાર રૂપિયા સુધીની ટિકિટ મેળવી શકશે. એક્કા ક્લબ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો. એક્કા ક્લબ અને કાંકરિયાની આસપાસના તમામ રોડ-રસ્તા તૈયાર કરી દેવાયા છે.
ફિલ્મફેર એવોર્ડ જોવા આવનારા લોકોને કાંકરિયા પરિસરની આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવેલી છે. સૌથી નજીક કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ અને ફૂટબોલ ગ્રાઉન્ડ પાર્કિંગ માટે રાખવામાં આવ્યું છે.
11 ઓક્ટોબરના રોજ સાંજે 7:30 વાગ્યે એવોર્ડ સમારોહ યોજાવાનો છે. બપોરે ત્રણ વાગ્યાથી એક્કા ક્લબ ખાતે એવોર્ડ સમારોહમાં આવનારા લોકો માટે એન્ટ્રી આપવાની શરૂઆત થશે. 7.30 વાગ્યે એવોર્ડ સમારોહની શરૂઆત થઈ જશે. 8 વાગ્યે ગેટ બંધ કરી દેવામાં આવશે. ત્યાર બાદ કોઈને એન્ટ્રી મળશે નહી. કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડની સામે ફિલ્મફેર એવોર્ડની ટિકિટ માટે બોક્સ ઓફિસ તૈયાર કરવામાં આવી છે, જ્યાંથી લોકો ટિકિટ ખરીદી શકશે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમણે બોક્સ ઓફિસ ખાતેથી ફિઝિકલ બેન્ડ લેવાનો રહેશે.
ફિલ્મફેર એવોર્ડમાં સામેલ થનારા લોકો કોઈપણ ચીજવસ્તુ અંદર લઈ જઈ શકશે નહીં. બેગ, પાવરબેંક ઈયર બર્ડ- ઇયર ફોન, પાણીની બોટલ, ખાવાની ચીજ વસ્તુઓ, સિગારેટ, પ્રોફેશનલ કેમેરા, સેલ્ફી સ્ટિક, ડ્રોન અને લેપટોપ વગેરે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 8 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકને પ્રવેશ આપવામાં આવશે નહીં. રાત્રે 8 વાગ્યે ગેટ બંધ થઈ જશે. ત્યાર બાદ જે લોકોએ ટિકિટ લીધી હશે તેમને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં, જેથી મોડા આવનાર કોઈપણને પ્રવેશ મળશે નહીં અને રિફંડ પણ આપવામાં આવશે નહીં. જ્યારે VVIP, VIP અને અન્ય લોકો માટે એક્કા ક્લબ અને કાંકરિયા આસપાસ આવેલા કુલ 9 જેટલાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કાંકરિયા ખાતે આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં જગ્યા ફુલ હોવાથી આજુબાજુમાં આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ, દેડકી ગાર્ડન, કિડ્સ સિટી, પિકનિક હાઉસ અને કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની આસપાસમાં આવેલા પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. VVIP માટે પુષ્પકુંજ ગેટ અને કિડ્સ સિટી પાસે પાર્કિંગ રાખવામાં આવ્યું છે. પાર્કિંગ એરિયા ખાતેથી એક્કા ક્લબ સુધી જવા માટે મફત અને પૈસા આપીને એમ બંને રીતે શટલ સર્વિસ રાખવામાં આવી છે. જ્યારે ShowMyparking મારફત લોકો પાર્કિંગ બુક કરાવી શકશે.