સુરતના ભાઠેનામાંથી મામાએ ભાણેજની નિર્મમ હત્યા કરી હતી. મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે ભાણેજ મોહમ્મદ આમિર આલમની લાશના 7 ટુકડા કરી ખાડીમાં નાખી દીધા હતા. પરંતુ હત્યા કરનાર મામાએ જ ગુરુવારે રાત્રે ગુમ થયાની ખોટી ફરિયાદ બાદ ભેદ ખૂલ્યો હતો. હાલમાં આ મામલાને લઈને CCTV સામે આવ્યા છે, જેમાં આરોપી મામા ભાણેજના સાત ટુકડા કરીને મોપેડમાં લઈને જતો હતો.
ધંધાના હિસાબને લઈ મામા-ભાણેજ વચ્ચે ઝઘડા થતા હતા
મળતી માહિતી મુજબ, મામા-ભાણેજ બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે. ભાઠેનાના શિવશક્તિનગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. બંને ઉધના રોડ નંબર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. લાંબા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો, પરંતુ રોકડ મામાને આપતો નહોતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા.મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી
ઝઘડાઓના થોડા સમય પહેલાં બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું હતું. ગત રવિવારની સાંજે ખાતા પર જમ્યા બાદ તેઓ ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો. બાદમાં પોલીસે લાલ આંખ બતાવતાં મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી. ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવાઓ જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.