Ahmedabad News : અમદાવાદ જિલ્લાના ચાંગોદર નજીક આવેલા લોદરિયાળ ગામમાં એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધના વિવાદને કારણે પ્રેમીએ પોતાની પ્રેમિકા અને તેની નાની પુત્રીની પેપર કટર વડે ક્રૂરતા હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ જ પ્રેમીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ભયાનક ઘટનાથી સમગ્ર વિસ્તાર અને ગામ લોકોમાં ચકચાર મચવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતક પ્રેમીનું નામ રણછોડભાઈ પોપટભાઈ પરમાર છે. તેણે પોતાની પ્રેમિકા ગીતાબેન કનુભાઈ વાણિયા અને તેની નાની પુત્રી દેવાંશીની હત્યા કરી નાખી હતી. ગીતાબેનનો પતિ દિનેશ વાણિયા છેલ્લા કેટલાક સમયથી તેમનાથી અલગ રહેતો હતો. ગીતાબેન ગોમતીપુરમાં રહેતા હતા, જ્યારે દિનેશ અમરાઈવાડી વિસ્તારમાં વસવાટ કરે છે.પ્રેમી રણછોડ લોદરિયાળ ગામે એક રૂમમાં ભાડે રહેતો હતો. ત્યાં જ આ દુર્ઘટના બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, જ્યાંથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં રણછોડે પોતાના જીવન, પ્રેમ સંબંધ અને મનમાં ચાલતા તણાવ અંગે અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, એફએસએલની ટીમ, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતક રણછોડ અને ગીતાબેનના પરિવારજનોને પણ તપાસ માટે સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, “આજરોજ સાંજે સાડા છ વાગ્યાના આસપાસ લોદરિયાળ ગામની સીમમાં સાણંદ-બાવળા રોડ પર આવેલ એચપી પેટ્રોલ પંપની સામે આવેલા એક ઓરડામાં ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં એક પુરુષ, એક સ્ત્રી અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”
પોલીસ હાલ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે. પ્રેમ સંબંધમાંથી ઉપજેલી આ હૃદયદ્રાવક ઘટના માનવ સંબંધોના તણાવ અને અણસમજના ખતરનાક પરિણામોની યાદ અપાવે છે.