વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે “વિકસિત ગામ, વિકસિત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ (શનિવાર, 11 ઓક્ટોબર) રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના યોગી સભા ગૃહમાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કુલ ₹194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે.
આ તકે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે રાજ્યભરના સરપંચોને કુલ ₹21 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.
રાજકોટમાં ₹194 કરોડના 18 કામોના ખાતમુહૂર્ત
પંચાયત વિભાગના રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે, જ્યારે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલી જોડાશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ₹194 કરોડના 18 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે સાથે ગ્રામ પંચાયતોને અનુદાનના ચેક વિતરણ અને સરકારી સંસ્થાઓનું સન્માન પણ કરવામાં આવશે.
પ્રમુખ મહાનુભાવો ઉપસ્થિત રહેશે
આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સાંસદ પરસોત્તમ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિં ઝાલા, તેમજ ધારાસભ્યો ઉદય કાનગડ, દર્શિતા શાહ, રમેશ ટીલાળા, જયેશ રાદડીયા, ગીતાબા જાડેજા, મહેન્દ્ર પાડલિયા, દુર્લભજી દેથરીયા અને જીતુ સોમાણી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું આયોજન પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના હેતુઓ
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપવાનો છે, જેથી “વિકસિત ગામ – વિકસિત ગુજરાત”નો દ્રષ્ટિકોણ સાકાર બને. આ તકે ગ્રામ પંચાયતોને વધારાના નાણાંકીય સહયોગથી ગ્રામ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો પણ ઉદ્દેશ છે.