logo-img
Gujarat Police Recruitment High Court Update

PSIની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સમાચાર : નવેમ્બરમાં લિસ્ટ થશે જાહેર, સપ્ટેમ્બર સુધીમાં ભરતી

PSIની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Oct 11, 2025, 03:11 AM IST

તોફાનો અને જાહેર અશાંતિ દરમિયાન થતા જાનમાલના નુકસાનને ધ્યાને લઈને પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા સુપ્રિમ કોર્ટના 2019ના માર્ગદર્શક આદેશોને આધારે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી.
આ અરજીમાં પોલીસ રિડ્રેસલ ફોરમની રચના, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, વસ્તી પ્રમાણે ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવાના, તોફાનો દરમ્યાન જાહેર મિલકતોનું રક્ષણ કરવાનું અને સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.


હાઇકોર્ટ સમક્ષ સરકારનો અહેવાલ

ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી કે હાલ PSI ભરતી અંતર્ગત લગભગ 50 હજાર ઉમેદવારોની જવાબવહી તપાસાઈ રહી છે, અને તેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર થશે.
કોર્ટએ રાજ્ય સરકારને સૂચન આપ્યું કે સમાન હોદ્દાની ભરતી પ્રક્રિયાઓ અલગ અલગ હાથ ધરવાને બદલે એક સાથે યોજાય, જેથી સમય બચી શકે અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય.


ફેઝ-1 બાદ ફેઝ-2 કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત

સરકારી વકીલના જણાવ્યા અનુસાર PSI બિનહથિયારધારી અને કોન્સ્ટેબલ બંનેની શારીરિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. PSIની લેખિત પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી અને હાલ જવાબવહીની ચકાસણી ચાલી રહી છે. ફાઇનલ લિસ્ટ નવેમ્બરમાં જાહેર કરાશે.
ફેઝ-1 પૂર્ણ થયા બાદ ફેઝ-2 કોન્સ્ટેબલની સીધી ભરતી પ્રક્રિયા શરૂ થશે.


પ્રમોશનલ ભરતીમાં ઝડપ, હવે માત્ર 1297 જગ્યા ખાલી

સરકારી વકીલે માહિતી આપી કે શરૂઆતમાં પોલીસ વિભાગમાં 10 હજાર પ્રમોશનલ જગ્યાઓ ખાલી હતી, પરંતુ હાઇકોર્ટના નિર્દેશ બાદ પ્રક્રિયા ઝડપી કરવામાં આવતા હવે માત્ર 1297 જગ્યા ખાલી છે. છેલ્લા 90 દિવસમાં 3168 જગ્યાઓ પ્રમોશન દ્વારા ભરાઈ ગઈ છે.
કોર્ટએ રાજ્ય સરકારને વર્ષ 2025-26 માટેનું પોલીસ ભરતી કેલેન્ડર રજૂ કરવાની પણ સૂચના આપી છે.


ફેઝ-2માં 14,283 પોલીસકર્મીઓની ભરતી થશે

હાલ ફેઝ-1ની 11,373 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે ફેઝ-2માં 14,283 પોલીસકર્મીઓની નવી ભરતી હાથ ધરાશે, જે સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાની યોજના છે.
રાજ્યમાં હાલ પાંચ પોલીસ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે, જ્યારે બે નવા સેન્ટરનું નિર્માણ ચાલી રહ્યું છે. નવા સેન્ટર તૈયાર થતાં તાલીમ ક્ષમતા 2500 જવાનો સુધી વધશે.


હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ

કોર્ટએ સ્પષ્ટ જણાવ્યું કે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરવું જોઈએ, ત્યારબાદ નીચી પોસ્ટનું. કારણ કે જો ઉમેદવાર પહેલા કોન્સ્ટેબલ તરીકે પસંદ થાય અને બાદમાં PSI તરીકે લાયક ઠરે, તો નીચી પોસ્ટ ખાલી રહી જાય છે.
કોર્ટ મિત્રે જણાવ્યું કે આ સુઓમોટો અરજીના પરિણામે પોલીસ ભરતી બોર્ડ હવે કાયમી સ્વરૂપે કાર્યરત બન્યું છે, અને સર્વિસ સંબંધિત નિયમોમાં ફેરફાર માટે ચર્ચા ચાલુ છે.


પોલીસ તંત્રને મજબૂત બનાવવા પગલા

સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું કે રાજ્યમાં હાલના 5 પોલીસ ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત બે નવા ટ્રેનિંગ સેન્ટરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હાઇકોર્ટે સરકારને દર વર્ષે રેગ્યુલર ભરતી કેલેન્ડર બહાર પાડવાની સૂચના આપી છે, જેથી પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ સમયસર ભરાય અને તાલીમની પ્રક્રિયા નિયમિત રહે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now