CM Bhupendra Patel Convoy Video : રાજકોટ–અમદાવાદ હાઇવે પર એક અનોખી ઘટના બની. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અચાનક જ પોતાનો કાફલો અટકાવવાનો આદેશ આપ્યો. હકીકતમાં, CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે જીવાપર નવાગામ પાસે હાઇવે પર કેટલાક ખેડૂતભાઈઓ ઉભા હતા. મુખ્યમંત્રીએ તેમને જોયા બાદ તરત જ પોતાનો કાફલો અટકાવવાનો આદેશ આપ્યો. સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ અચાનક કાફલો અટકી જતાં દોડી આવી હતી, પરંતુ મુખ્યમંત્રી પોતે કારમાંથી બહાર આવી ખેડૂતોને મળવા આગળ વધ્યા.
ખેડૂતોએ મુખ્યમંત્રીનું હાર્દિક સ્વાગત કર્યું અને તેમને જીવાપર નવાગામમાં આવકાર્યા. મુખ્યમંત્રીએ સૌપ્રથમ ખેડૂતોનું અભિવાદન સ્વીકાર્યું અને પછી સૌહાર્દપૂર્ણ રીતે તેમની સાથે વાતચીત કરી. ખેડૂતો સાથેની આ અચાનક મુલાકાત દરમિયાન સૌમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
'દાદા'ની આ સાદગી અને લોકો સાથે જોડાવાની ભાવના ફરી એકવાર જોવા મળી. સામાન્ય રીતે કડક સુરક્ષાવાળા કાફલામાં મુસાફરી કરતા મુખ્યમંત્રીએ રસ્તા પર ઉભેલા ખેડૂતોને મળવા માટે પોતે રોકાઈ જવાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જીવાપર નવાગામના ખેડૂતો માટે આ ક્ષણ યાદગાર બની રહી હતી, કારણ કે રાજ્યના મુખ્યમંત્રીએ જાતે તેમના વચ્ચે આવીને મુલાકાત કરી અને સૌને માન આપ્યું હતું.