બોલિવૂડના ફેમશ અભિનેતા અક્ષય કુમાર હાલમાં અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે ગુજરાતમાં છે. ત્યારે આજે 'ખેલાડી' વડનગરની મુલાકાતે પહોંચ્યો હતો. સૌપ્રથમ ત્યાં જઈને અક્ષય કુમારે હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ PM જે શાળામાં ભણતા તે પ્રેરણા સ્કૂલ અને આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડનગરવાસીઓ દ્વારા અક્ષય કુમારનું તિલક લગાવીને સ્વાગત કર્યું હતું. તિલક અને પુષ્પવર્ષા કરી 'ખિલાડી'નું સ્વાગત કરાયું
ઐતિહાસિક વડનગરની મુલાકાતે આવેલા અક્ષયકુમારનું યુવતીઓ દ્વારા તિલક અને પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું. આ સમયે અક્ષયકુમારે પણ પુષ્પો લઈ પુષ્પવર્ષા કરી હતી.અક્ષય કુમારે શાળાના પરિસરની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થા, વર્ગખંડો અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને બાળકોને મહેનત, સંસ્કાર અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. અક્ષય કુમારે વિદ્યાર્થીઓને પોતાના સપનાઓ પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપી હતી.
તેને શાળામાં લગભગ અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને શાળાના વાતાવરણ તેમજ શિક્ષણ પ્રણાલી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અક્ષય કુમારની આ મુલાકાત વડનગરના લોકોને માટે ગૌરવનો વિષય બની રહી હતી, કારણ કે વડાપ્રધાન મોદી ભણેલા સ્થળે બોલિવૂડના સુપરસ્ટારનો આગમન દરેક માટે યાદગાર ક્ષણ સાબિત થયો હતો.