Himmatnagar RTO Circle Kidnapped Case : હિંમતનગરમાં RTO સર્કલ નજીક બે માસની નિર્દોષ બાળકીએ ઉઠાવી જવનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, એક બાઈક પર સવાર કપલે આરટીઓ સર્કલ નજીકથી બે માસની બાળકી ઉઠાવી જવાના બનાવે ચકચાર મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે બાળકીને સલામત રીતે પરત મેળવવા માટે અલગ અલગ ટીમો રચી તપાસનો દોર શરૂ કર્યો હતો.
પોલીસની ટીમોએ વિસ્તારના CCTV ફૂટેજની મદદથી તાત્કાલિક કામગીરી કરી અને બાળકીને સલામત રીતે પરત મેળવવામાં સફળતા મેળવી હતી. સાથે જ, બાળકી ઉઠાવી જનાર બાઈક સવાર કપલને પણ પોલીસે ઝડપીને હવાલે લીધા હતા. ઝડપાયેલો પુરુષ અને મહિલા બંને હિંમતનગરના જ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. હાલ બંને આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે જેથી બાળકીને ઉઠાવી જવા પાછળના કારણો અને ઈરાદા વિશે વધુ માહિતી બહાર આવી શકે.
પોલીસની ઝડપી કામગીરી અને ટીમોના સંકલિત પ્રયત્નોને કારણે બાળકીને કોઈ નુકસાન વિના સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવી છે, જેના કારણે શહેરમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે હિંમતનગર પોલીસ તંત્ર કેટલી સતર્ક અને સંવેદનશીલ છે.