આજે બોલિવૂડના પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025નો મુખ્ય સમારોહ અમદાવાદના કાંકરિયા સ્થિત EKA Arena (ટ્રાન્સસ્ટેડિયા ક્લબ) ખાતે યોજાઈ રહ્યો છે. આ વિશાળ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે, જેથી VIP મૂવમેન્ટ દરમિયાન શહેરજનોને શક્ય તેટલી ઓછી મુશ્કેલી પડે.
ટ્રાફિક વિભાગનું જાહેરનામું જાહેર
શહેર ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડી નાગરિકોને સૂચિત કર્યું છે કે Filmfare Awards કાર્યક્રમને કારણે કાંકરિયા વિસ્તારની આસપાસના કેટલાક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર આજે પ્રતિબંધિત રહેશે. નાગરિકોને વિકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
Filmfare Awards સ્થળ અને સમય
70મા ફિલ્મફેર એવોર્ડ્સનો મુખ્ય કાર્યક્રમ આજે, 11 ઓક્ટોબર, 2025, ના રોજ સાંજે કાંકરિયા સ્થિત EKA Arena ખાતે યોજાશે.
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર પ્રતિબંધો બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી અમલમાં રહેશે. કેટલાક ડાયવર્ઝન તો સવારથી જ લાગુ થઈ ગયા છે.
આ માર્ગો આજે રહેશે બંધ
સુરક્ષા કારણોસર નીચેના માર્ગો પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ રહેશે
રાયપુર ચાર રસ્તાથી કાંકરિયા ગેટ નં. 3 સુધીનો માર્ગ
અનુવ્રત સર્કલથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો
રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી રોડ
વાણિજ્ય ભવનથી પારસી અગિયારી માર્ગ
કાંકરિયા ગેટ નં. 3થી ફૂટબોલ ગ્રાઉન્ડ જવાનો માર્ગ
આ વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
વિકલ્પિક માર્ગો ખુલ્લા રહેશે
નાગરિકોની સુવિધા માટે નીચેના માર્ગો ખુલ્લા રાખવામાં આવ્યા છે
વાણિજ્ય ભવનથી મણિનગર અને ખોખરા જવાનો માર્ગ
વાણિજ્ય ભવનથી ન્યૂ ક્લોથ માર્કેટ થઈ રાયપુર જવાનો માર્ગ
પારસી અગિયારીથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ
અપ્સરા સિનેમાથી ઝીરાફ સર્કલ તરફ જવાનો રસ્તો
AMTS બસ રૂટમાં ફેરફાર
Filmfare Awardsને કારણે AMTS (Ahmedabad Municipal Transport Service)ની કુલ 28 રૂટની 183 બસોના માર્ગોમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યા છે. આજે બપોરે 12 વાગ્યાથી તમામ બસો વૈકલ્પિક રૂટ પરથી દોડશે, જેથી મુસાફરોને વધુ તકલીફ ન થાય.
કાંકરિયા લેકફ્રન્ટ જાહેર જનતા માટે બંધ
એવોર્ડ સમારોહને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ જાહેર જનતા માટે આજે કાંકરિયા લેકફ્રન્ટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
સુરક્ષા કારણોસર ઝૂ, કિડ્સ સિટી અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓ પણ આજે બંધ રહેશે.
મ્યુનિસિપલ તંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બાબતનું ધ્યાન રાખે અને સ્થળ પર પહોંચવાની યોજના ટાળે.