ગુજરાત આજે ઔદ્યોગિક પ્રગતિની સાથે અદ્યતન માળખાગત સુવિધાઓનું ચમકતું ઉદાહરણ બની રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં લાખો નાગરિકોના જીવનને સરળ અને સમૃદ્ધ બનાવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ ગુજરાતના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતું પ્રતીક છે.
અમદાવાદ મેટ્રો: નવી દિશા, નવી ગતિ
વર્ષ 2025માં અમદાવાદ મેટ્રો નવા રેકોર્ડ સ્થાપી રહી છે. શરૂઆતમાં દૈનિક 35,000 મુસાફરોની સંખ્યા આજે 1.5 લાખ સુધી પહોંચી છે, અને અત્યાર સુધીમાં 10.38 કરોડથી વધુ લોકોએ મેટ્રોની સફરનો આનંદ માણ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની 99.84% સમયસર સેવાએ મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે. ₹5થી ₹40ના બજેટ-ફ્રેન્ડલી ભાડાથી મેટ્રો સામાન્ય નાગરિકો માટે પણ સુલભ બની છે.
અમદાવાદ-ગાંધીનગર: વિકાસની એક ધારા
ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ 28.2 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. 2014માં મંજૂર થયેલા અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાએ 2019માં વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીની 6.5 કિમીની સફર શરૂ કરી. 2022માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 32 કિમીની લાઇનનું લોકાર્પણ કર્યું, જેણે શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગોને જોડ્યા. બીજા તબક્કામાં 28.2 કિમીનો રૂટ, જેમાં મોટેરાથી સેક્ટર-1 અને GIFT સિટી સુધીનો ભાગ સપ્ટેમ્બર 2024માં શરૂ થયો, જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ 2025માં ખુલ્લો મૂકાયો. ટૂંક સમયમાં 68 કિમીના રૂટ પર 54 સ્ટેશનો સાથે મેટ્રો સંપૂર્ણ રીતે કાર્યરત થશે.
સુરત મેટ્રો: ડાયમંડ સિટીનું નવું ગૌરવ
સુરતમાં 40.35 કિમીની મેટ્રો લાઇનનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જે શહેરના ભવિષ્યને નવી દિશા આપશે. આ પ્રોજેક્ટ ગુજરાતની આર્થિક રાજધાનીને વધુ ગતિશીલ બનાવશે.
સંસ્કૃતિ અને સુરક્ષાનું સંગમ
મેટ્રો સ્ટેશનો ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે છે. આર્ટ ઇન્સ્ટોલેશન અને ચિત્રોથી સજ્જ સ્ટેશનો મુસાફરીને આનંદદાયક બનાવે છે. દિવ્યાંગજનો માટે રેમ્પ, લિફ્ટ અને ટેક્ટાઇલ ફ્લોરિંગ જેવી સુવિધાઓ મેટ્રોને સમાવેશી બનાવે છે. સુરક્ષા માટે CBTC સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
દોડતું ગુજરાત, વિકસતું ભારત
ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માત્ર પરિવહન યોજના નથી, પરંતુ ભારતના વિકાસનું એક મજબૂત પગલું છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરતને જોડતી આ રેલ ગુજરાતની ગતિશીલતા અને આધુનિકતાનું પ્રતીક છે. “વહાલું ગુજરાત” હવે “દોડતું ગુજરાત” બની રહ્યું છે, જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં નવા આયામો ઉમેરી રહ્યું છે.