બોટાદ જિલ્લાના હડદડ ગામે પોલીસ અને લોકો વચ્ચે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. ગામમાં પોલીસે રૂટિન ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે લોકોએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં બોટાદ DYSP મહર્ષિ રાવલ, LCB PI એ. જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. DYSP મહર્ષિ રાવલના પગમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે PI એ. જી. સોલંકીને માથાના ભાગે ઈજા પહોંચી હતી.
હડદડ ગામમાં પોલીસ ખડકલો ગોઠવાયો
ગઈકાલે એક ખેડૂત માટે યોજવામાં આવેલી મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મામલો ગંભીર બનતા જૂનાગઢ રેન્જના IG નિલેશ જાજડિયા પોતે હડદડ ગામે પહોંચી ગયા હતા. તણાવ અને અથડામણના પગલે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. બોટાદ એસપી સહિતનો કાફલો પણ હડદડ ગામે તહેનાત કરવામાં આવ્યો છે. ગામમાં શાંતિ જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
FIRમાં AAPના નેતાઓના નામ
પથ્થરમારાની ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ, જેમ કે પ્રવીણરામ અને રાજુ કરપડા, સહિત 85 લોકો સામે FIR નોંધાઈ છે. આરોપીઓ સામે ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર ટોળું એકઠું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે અનેક લોકોની ધરપકડના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે, અને સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. રાજ્યની કાયદો વ્યવસ્થા સામે પડકારરૂપ બનેલી આ ઘટના ખુબ જ ગંભીર માનવામાં આવી રહી છે.