બોટાદના હડદડ ગામે થયેલી બાબલ બાદ આજે ફરી બોટાદ કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓ બંનેમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અચોક્કસ મુદત માટે કરાયેલી હડતાળ બાદ હવે યાર્ડ સંચાલન દ્વારા કપાસની હરાજી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
બોટાદમાં કપાસની હરાજી શરૂ
આ જાહેરાતને પગલે આજે વહેલી સવારે ખેડૂતો પોતાના કપાસ સાથે માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા. રાબેતા મુજબ કપાસની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં વેપારીઓ અને કમીશન એજન્ટોએ ખરીદી કાર્ય શરૂ કર્યું હતું.
યાર્ડના પ્રવેશદ્વાર પર પોલીસ બંદોબસ્ત
માર્કેટયાર્ડમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે યાર્ડના પ્રવેશદ્વાર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ રીતે, બોટાદ કોટન યાર્ડ ફરીથી સામાન્ય કાર્યશૈલી તરફ વળતું દેખાઈ રહ્યું છે અને ખેડૂતોને પણ ઉત્પાદનના યોગ્ય દરો મળવાની આશા જગાઈ છે.
શું છે સમગ્ર મામલો?
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શનિવારે હજારો ખેડૂતો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો કપાસના વેપારીઓ સામે ઉગ્ર બન્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેને શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો. સ્થળ પર મોટી સંખ્યામાં ખેડૂતો બેસીને નારાબાજી કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા મધરાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કપરાડાની અટકાયત કરી હતી. રાજુ કપરાડાની અટકાયત બાદ ખેડૂતો વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસ સામે નારાબાજી કરી હતી. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેને કારણે યાર્ડ વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.
ખેડૂતોનો આરોપ છે કે કપાસના વેપારીઓ ખોટા તોલ, ખોટા ભાવે ખરીદી અને ગેરરીતિઓ દ્વારા ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તપાસ કરે અને કપાસના ભાવમાં ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરે.