વડોદરા રેલવે ડિવિઝનના ગોધરા અને આણંદ પરિસરમાં છેલ્લા દસ વર્ષથી રેલ્વેની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડીને અને પેસેન્જરો પાસે ચોરી-લૂંટ કરીને અનેક ગંભીર ગુનાઓ આચરતું સંગઠિત અપરાધી ગેંગ પર પ્રથમ વખત ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) અંતર્ગત કેસ નોંધાયો છે. આ ગેંગે કુલ 31 ગુનાઓ કર્યા હોવાનું ખુલ્યું છે, જેમાં રેલવે ટ્રેક પર ડિરેલમેન્ટ (ટ્રેન ઉથલાવવાના પ્રયાસો), પેસેન્જરોની ચોરી, ચેઇન સ્નેચિંગ, ગોમાંસ અને દારૂની ગેરકાયદેસર હેરાફેરી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
આ કેસમાંથી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે બે અગાઉથી વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા છે અને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ અપરાધી ટોળકું ગોધરાના સિંગલ ફળિયા વિસ્તારમાં રહેતા છથી વધુ વ્યક્તિઓ પરાધીન છે, જેમાં બે ભાઈઓ હસન ઉફે. તકન સલીમ શેખ (ઉ.વ. 23) અને હુસેન સલીમ શેખ (ઉ.વ. 25) ગેંગના મુખ્ય આગેવાન તરીકે ઓળખાય છે. આ બંને ભાઈઓ હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં રેલ્વેની રાષ્ટ્રીય સંપત્તિની ચોરીના કેસમાં સજા ભોગવી રહ્યા છે. તેમના સાથીઓમાં ફરદીન ઈનાયત અલી મકરાણી (ઉ.વ. અજ્ઞાત, રહે. અલી મસ્જીદ સામે, સિંગલ ફળિયા) અને સલુ તાન શન્સાર ખાલપા (ઉ.વ. અજ્ઞાત, રહે. ઘાંચીભાઈના મકાન સામે, ધાંતીયા પ્લોટ, સિંગલ ફળિયા)ની તાજેતરમાં ધરપકડ કરાઈ છે.
અલગ-અલગ પોલીસ ટીમો સક્રિય
જ્યારે ઈમરાન શન્સાર ખાલપા (ઉ.વ. 25, રહે. ઘાંચીભાઈના મકાન સામે, ધાંતીયા પ્લોટ) અને યાસીન સલીમ શેખ (ઉ.વ. 27, રહે. સિંગલ ફળિયા, તલાવડી પાસે)ને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો સક્રિય છે અને તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ગેંગની વિશેષતા તેની અત્યંત વ્યવસ્થિત અને જોખમી પદ્ધતિઓ છે. તેમણે રેલવે ટ્રેક પર ફિશર પ્લેટ (પાટા જોડતી પ્લેટ)ને નુકસાન પહોંચાડીને અથવા તેને કાઢીને ટ્રેન ડિરેલમેન્ટના પ્રયાસો કર્યા છે, જેમાં પેસેન્જરોના જીવનને જોખમમાં મુકાયું હતું. વધુમાં, ચાલુ ટ્રેનના પ્રેશર કોકમાંથી હવા કાઢીને ઓટોમેટિક વેક્યુમ બ્રેક લગાવીને ટ્રેનને ધીમી કરી, ત્યારબાદ કાચના દરવાજા તોડીને અથવા વેગનના દરવાજા ખોલીને ચોરી-લૂંટ કરવાની પદ્ધતિ અપનાવી છે.
ટ્રેનને રોકાવીને ગુનાઓ આચર્યા
આ ઉપરાંત, રેલ્વે લાઇન પર આઉટર અથવા હોમ સિગ્નલ પાસેના ઇલેક્ટ્રિક બોક્સમાં ઘાતક વસ્તુઓ (જેમ કે કચરો અથવા વાયરના ટુકડા) મૂકીને સિગ્નલને લાલ બતી બતાવવા મજબૂર કરી ટ્રેનને રોકાવીને ગુનાઓ આચર્યા છે. આ પદ્ધતિઓથી ન માત્ર પેસેન્જરોના સરસામાનની ચોરી-લૂંટ થઈ, પરંતુ રાષ્ટ્રીય સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.આ ઉપરાંત, ગેંગે રાજ્યસેવકો પર હુમલા, જીવલેણ ધમકીઓ, ગોમાંસ અને દારૂની ગેરકાયદેસર હેરાફેરી તથા ઢોરોની ગેરકાયદેસર વેચાણ જેવા અન્ય ગુનાઓ પણ કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સજા નેપથ્યના 29 ગુનાઓ 2019 પછી આચરાયા છે,
ત્રણ વર્ષથી વધુ સજા
ગુજસીટોક કાયદાની વ્યાખ્યા અનુસાર સંગઠિત અપરાધી ટોળકી તરીકે ગણાય છે. આ કાયદા હેઠળ, જે ટોળકીએ છેલ્લા 10 વર્ષમાં ત્રણ અથવા તેથી વધુ ગુનાઓ કર્યા હોય અને તેમાં કોઈપણ એક ગુનો ત્રણ વર્ષથી વધુ સજા નેપથ્યનો હોય, તેને સંગઠિત અપરાધ તરીકે નોંધાય છે. આ કેસ નોંધવાનું ક્રેડિટ વડોદરા રેલવે પોલીસના એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને જાય છે. પી.આઈ. ટી.વી. પટેલના નેતૃત્વ હેઠળની ટીમે વડોદરા રેલવેના વિવિધ પોલીસ સ્ટેશનો (ગોધરા, આણંદ, આર.પી.એફ. પોસ્ટ્સ જેમ કે દાહોદ, પ્રતાપનગર) તથા આસપાસના જિલ્લાઓમાં દાખલ ગુનાઓની તપાસ કરીને આ સંગઠિત ટોળકીની ઓળખ કરી.
ગેંગના બાકીના આરોપીઓને પકડવા વધુ તપાસ
તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની જાણકારીથી અન-ડિટેક્ટેડ કેસો ઉકેલાયા છે. આ કાર્યવાહીથી અન્ય અપરાધીઓમાં ફફડાટ મચી ગયો છે અને ગોધરા રેલવે પરિસરમાં ગંભીર ગુનાઓમાં ઘટાડો થવાની અપેક્ષા છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ગેંગના બાકીના આરોપીઓને ઝડપી પકડવા માટે વધુ તપાસ અને ટીમો તૈનાત કરાઈ છે. આ કેસ ગુજસીટોક કલમ 3(1)(2), 3(2), 3(4) હેઠળ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં 10/10/2025ના રોજ નોંધાયો છે (એફ.આઈ.આર. નંબર: 11212023250207/2025). રેલવે પોલીસના આ પગલાંથી પેસેન્જરો અને રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા મજબૂત થશે તેવી આશા છે.




















