Surendranagar Crime News : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે 15 નવેમ્બરના રોજ બનેલી યુવતીની હત્યાના કેસમાં મોટું વળાંક આવ્યું છે. યુવતીના પ્રેમી સંજયના પિતા બચુભાઈએ યુવતી હેતલની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કર્યાનો આરોપ છે. ઘટનાના બાદ ફરાર થયેલા બચુભાઈને પોલીસે ઝડપીને આકરી પૂછપરછ શરૂ કરી છે.
પુત્રનો પ્રેમ સંબંધ ખટક્યો અને પુત્રની પ્રેમેકીની કરી દીધી હત્યા!
હેતલ સવારના સમયે રાણપુર નજીકના કારખાને કામે જતી હતી ત્યારે ગામની સ્કૂલ આગળ બચુભાઈએ તેના પર છરીથી લગભગ 15 જેટલા ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે હેતલની માતાની ફરિયાદના આધારે બચુભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ યુવતી હેતલનો ગામના જ આર્મીમેન સંજય સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલાં બંનેએ મૈત્રી કરાર કર્યા હતા અને તેમને ત્રણ વર્ષનો એક પુત્ર પણ છે. જોકે, સંજયે બાદમાં બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવા છતાં હેતલ અને સંજય વચ્ચે સંબંધ યથાવત હતા, જે બાબત સંજયના પિતા બચુભાઈને ન ગમતી.
પોલીસે કાર્યવાહી હાથધરી
ફરિયાદ મુજબ બચુભાઈ વારંવાર હેતલના ઘરે આવી ધમકીઓ આપતા અને ઝગડા કરતા. તેઓ હેતલની માતાને કહી ગયા હતા કે, “તમારી દિકરીએ મારા દીકરા સંજય સાથેનો સંબંધ તોડવો પડશે, નહીં તો તેને જાનથી મારી નાખીશ.” આ જ દુશ્મનીના કારણે બચુભાઈએ હેતલની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગુનાહિત હથિયાર તરીકે ઉપયોગમાં આવેલી છરી તથા અન્ય પુરાવા મેળવવા બચુભાઈને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરી છે. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું માહોલ છવાયો છે.





















