Mahisagar Bogus Scientist Case : મહીસાગર જિલ્લામાં વર્ષ 2005માં થયેલા બોગસ વૈજ્ઞાનિક કેસમાં જિલ્લા અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બાકોર પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નીચલી અદાલત દ્વારા ફટકારવામાં આવેલી 5 વર્ષની સાદી કેદ અને રૂપિયા 10,000 ના દંડની સજાને જિલ્લા અદાલતે યથાવત રાખી છે.
પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા
આ કેસમાં આરોપી જગદીશ નાથાલાલ ત્રિવેદી, જે 2005માં બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમણે ઇઝરાયલમાં નોકરી મેળવવા માટે પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા દસ્તાવેજો તૈયાર કરી સરકારને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.
સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું
આરોપીએ વૈજ્ઞાનિક તરીકે રજૂ કરી સરકાર પાસેથી આર્થિક લાભ મેળવ્યા હતાં. કુલ 12 લાખ રૂપિયાની છેતરપિંડીમાંથી એક લાખથી વધુ રકમ તેમને સરકાર પાસેથી મળી હતી. આ બાબતે પ્રાથમિક તપાસ બાદ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
5 વર્ષની સાદી કેદ અને દંડ યથાવત
નીચલી અદાલત દ્વારા સજા ફટકારતાં આરોપી ત્રિવેદીએ તેના વિરોધમાં અપીલ દાખલ કરી હતી. પરંતુ જિલ્લા અદાલતે તમામ પુરાવાઓનું પુનઃપરીક્ષણ કર્યા બાદ નીચલી અદાલતનો નિર્ણય સાચો હોવાનું જણાવી સજા યથાવત રાખી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. મહીસાગર જિલ્લા અદાલતનો આ ચુકાદો સરકારી દસ્તાવેજોની ખોટા ઉપયોગ અને સરકાર સામે છેતરપિડી જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપી રહ્યો છે.




















