ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે મળીને એક વિશાળ ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી છે. વહેલી સવારથી જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ
આ ડ્રાઈવ માટે જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં 500થી વધુ પોલીસકર્મીઓનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે કાર્યવાહી કરી શકાય. ડિમોલિશન ડ્રાઈવ સાબરમતી નદીના કાંઠા વિસ્તાર, જીઇબી (GEB), પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વિશાળ પ્રમાણમાં બાંધકામ કરીને 700થી વધુ દબાણો ઊભા કરવામાં આવ્યા છે. દબાણકારોએ સરકારી જમીન પર કબજો કરી ઈમારતો, દુકાનો જેવા ઢાંચાઓ ઊભા કર્યા હતા.
અગાઉ નોટિસો પાઠવી હતી
વહીવટી તંત્રે અગાઉ નોટિસો આપી હતી અને હવે તાકીદે કાર્યવાહી કરીને આ તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આમ કરવાનું મુખ્ય હેતુ શહેરના પધ્ધતિસર વિકાસ માટે માર્ગ મોકળો કરવાનો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટેનો છે.