ઉન્નાવ રેપ કેસમાં દિલ્હી હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન આપ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સેંગરની સજા પણ સ્થગિત કરી હતી. સેંગરના જામીનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અંજલે પટેલ અને પૂજા શિલ્પકરે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અરજદાર વકીલ અંજલે પટેલ અને પૂજા શિલ્પકરે સુપ્રીમ કોર્ટને કુલદીપ સેંગરના જામીન રદ કરવા વિનંતી કરી છે. બંને અરજદારો અંજલે અને પૂજા ક્યારેય આ કેસમાં પક્ષકાર નહોતા. નીચલી કોર્ટ કે હાઈકોર્ટમાં કોઈ પક્ષકાર નહોતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને પીડિતાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે.
દિલ્હી હાઈકોર્ટ દ્વારા સેંગરને મળેલા જામીન પર પ્રતિક્રિયા આપતા પીડિતાએ કહ્યું, "અમે પાછળ હટવાના નથી. જ્યાં સુધી જામીન નામંજૂર ન થાય ત્યાં સુધી અમે શાંત બેસીશું નહીં." સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા, પીડિતાએ કહ્યું કે તે ત્યાં અરજી દાખલ કરશે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ, પીડિતાએ ઈન્ડિયા ગેટ પર વિરોધ કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ પોલીસે તેને વિખેરી નાખી, એમ કહીને કે ત્યાં વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી.
પીડિતાએ આરોપ લગાવ્યો કે પોલીસે તેને બળજબરીથી વાહનમાં બેસાડી અને ધક્કો માર્યો. પીડિતાએ કહ્યું "મારા હાથ અને પગમાં સળિયા છે અને મારા આખા શરીર પર 250 ટાંકા છે. આમ છતાં, પોલીસે મને ખેંચી લીધી." તેને ઉમેર્યું કે ગેંગ રેપ કેસમાં જામીન એક ખતરનાક સંકેત છે. "જો ગેંગ રેપ કેસમાં જામીન મંજૂર થાય છે, તો તે હત્યા કેસમાં પણ મંજૂર થશે. આ જ ડર મને સતાવે છે." CBI એ પણ કહ્યું છે કે તે જામીનને પડકારશે.





















