Home International India Defense Budget 2026 Analysis Modernization And Global Spending News

ભારતીય સંરક્ષણ બજેટમાં તોતિંગ વધારો : જાણો સૈન્ય ખર્ચમાં કયો દેશ છે વિશ્વમાં મોખરે?

ભારતીય સંરક્ષણ બજેટમાં તોતિંગ વધારો
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 12:15 PM IST

જ્યારે સરહદો પર પડકારો વધતા હોય અને વૈશ્વિક સ્તરે અસ્થિરતાનો માહોલ સર્જાય ત્યારે સરકારના નિર્ણયો માત્ર કાગળ પર મર્યાદિત રહેતા નથી. સંસદમાં રજૂ થયેલા નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં પણ આ બાબત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આંકડાઓ મોટા છે અને ઈરાદાઓ પણ અત્યંત મજબૂત છે. ભારત દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા આ મોટા રોકાણ પાછળ અનેક મહત્વના કારણો જવાબદાર છે. વિશ્વમાં હથિયારો અને સૈન્ય શક્તિ પાછળ સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત હવે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

નાણામંત્રી Nirmala Sitharaman દ્વારા 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે કુલ 7.8 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના નાણાકીય વર્ષ 2025-26માં આ બજેટ 6.81 લાખ કરોડ રૂપિયા હતું જેની સરખામણીએ આ વખતે મોટો વધારો જોવા મળ્યો છે. સરકારના આ પગલાને રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના સંકેત તરીકે જોવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી સરહદ પરનો તણાવ અને બદલાતા યુદ્ધના સ્વરૂપને જોતા ત્રણેય સેનાઓના આધુનિકીકરણની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી.

આ બજેટનું સૌથી મહત્વનું પાસું Capital Outlay એટલે કે નવા હથિયારો, આધુનિક સાધનો અને નવી ટેકનોલોજીની ખરીદી માટે ફાળવવામાં આવેલી રકમ છે. વર્ષ 2026-27 માટે સૈન્ય દળોના આધુનિકીકરણ અર્થે 2.19 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ રકમ 1.80 લાખ કરોડ રૂપિયા હતી જેની સરખામણીએ આ વર્ષે 21.84 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ આંકડા દર્શાવે છે કે ભારત હવે ભવિષ્યના યુદ્ધો માટે ટેકનોલોજી અને આધુનિક હથિયારોથી સજ્જ થવા પર ભાર મૂકી રહ્યું છે.

વૈશ્વિક સ્તરે સૈન્ય ખર્ચની સરખામણી કરવામાં આવે તો અમેરિકા હજુ પણ પ્રથમ ક્રમે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું વાર્ષિક સંરક્ષણ બજેટ અંદાજે 76 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે જે ભારતના બજેટ કરતા અનેકગણું વધારે છે. અમેરિકા આ ભંડોળનો ઉપયોગ નવા શસ્ત્રોના સંશોધન, અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી અને વૈશ્વિક સૈન્ય મથકોની જાળવણી માટે કરે છે. ભારત ભલે અમેરિકા જેટલો ખર્ચ ન કરતું હોય પરંતુ તે પોતાની જરૂરિયાત મુજબ આત્મનિર્ભર બનીને સંરક્ષણ ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જે દુનિયાને એક સ્પષ્ટ સંદેશ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now