ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ આજથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા આ બે મેચની શ્રેણી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં પોતાનો દાવો મજબૂત કરવા તત્પર છે. જસપ્રીત બુમરાહના શાનદાર બોલિંગ પ્રદર્શનથી ભારતે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને માત્ર 159 રનમાં ઓલઆઉટ કરી દીધું.
દક્ષિણ આફ્રિકાનો દાવ સમાપ્ત
બુમરાહે 5 વિકેટ ઝડપી, જ્યારે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી. અક્ષર પટેલે 1 વિકેટ મેળવી. પ્રથમ દિવસના ત્રીજા સત્રમાં જ દક્ષિણ આફ્રિકાનો દાવ સમાપ્ત થયો. દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરામે સૌથી વધુ 31 રન બનાવ્યા. વિઆન મુલ્ડરે 24, ટોની ડી જ્યોર્જીએ 24, રાયન રિક્લેટને 23, કાયલ વેરેને 16, સિમોન હાર્મરે 5, ટેમ્બા બાવુમાએ 3 અને કોર્બિન બોશે 3 રન કર્યા. ટ્રિસ્ટન સ્ટબ્સ 15 રન બનાવી અણનમ રહ્યા.હવે ભારતે બેટિંગ શરૂ કરી દીધી છે અને પ્રથમ દાવમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર છે.




















