સામાન્ય રીતે જ્યારે આપણે અતિશય ગરમી વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં સહરાનું રણ અથવા મિડલ ઈસ્ટના દેશોના દ્રશ્યો સામે આવે છે. પરંતુ પૃથ્વી પર એક એવું સ્થળ છે જે આ બધા કરતા ઘણું અલગ અને ભયાનક રીતે ગરમ છે. ઇથોપિયામાં આવેલું ડલોલ (Dallol) નામનું ક્ષેત્ર દુનિયાનું સૌથી ગરમ સ્થળ માનવામાં આવે છે. આ જગ્યાની સૌથી ચોંકાવનારી વિશેષતા એ છે કે અહીં ક્યારેય શિયાળો આવતો નથી અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતો નથી.
બારેમાસ રેકોર્ડબ્રેક ગરમીનો પ્રકોપ
ડલોલના નામે પૃથ્વી પર સૌથી વધુ સરેરાશ વાર્ષિક તાપમાન ધરાવવાનો વિક્રમ નોંધાયેલો છે. આ વિસ્તારમાં સરેરાશ તાપમાન 34.6 Degree Celsius નોંધવામાં આવ્યું છે. વિશ્વના અન્ય ગરમ પ્રદેશોમાં રાત્રિના સમયે અથવા શિયાળામાં તાપમાનમાં ઘટાડો થતો હોય છે, પરંતુ ડલોલમાં સ્થિતિ તદ્દન વિપરીત છે. અહીં શિયાળાની ઋતુમાં પણ પારો 30 Degree Celsius થી નીચે ઉતરતો નથી, જ્યારે ઉનાળાના સમયમાં તાપમાન 49 Degree Celsius સુધી પહોંચી જાય છે.
બીજા ગ્રહ જેવો અદભૂત નજારો
ડલોલ એ Danakil Depression નામના વિસ્તારમાં આવેલું છે, જે ભૌગોલિક રીતે પૃથ્વી પરના સૌથી સક્રિય વિસ્તારોમાંથી એક છે. આ જગ્યાને જોતા એવું લાગે છે કે જાણે આપણે કોઈ બીજા ગ્રહ પર આવી ગયા હોઈએ, તેથી તેને 'પૃથ્વી પરનું મંગળ' પણ કહેવામાં આવે છે. અહીં જમીન પર પીળા, લીલા અને નારંગી રંગના તેજસ્વી પડ જોવા મળે છે. આ રંગો કોઈ વનસ્પતિને કારણે નહીં પરંતુ સલ્ફર, આયર્ન ઓક્સાઈડ અને પટાશ જેવી રાસાયણિક પ્રક્રિયાઓને કારણે નિર્માણ પામે છે.
પૃથ્વી પરનું સૌથી ઝેરીલું સ્થળ
આ વિસ્તાર માત્ર ગરમી માટે જ નહીં પરંતુ તેના જોખમી વાતાવરણ માટે પણ જાણીતો છે. ડલોલમાં આવેલા હાઈડ્રોથર્મલ પુલ એટલા બધા એસિડિક છે કે તેનું PH Level શૂન્ય અથવા તેનાથી પણ ઓછું હોઈ શકે છે. આ ઉપરાંત અહીંની હવામાં સતત સલ્ફર ડાયોક્સાઈડ અને ક્લોરીન જેવા અત્યંત ઝેરી વાયુઓ ભળેલા હોય છે, જે શ્વાસ લેવા માટે જોખમી સાબિત થાય છે.
સમુદ્રની સપાટીથી નીચે અને જ્વાળામુખી પર સ્થિત
ભૌગોલિક દ્રષ્ટિએ આ સ્થળ સમુદ્રની સપાટીથી આશરે 120 થી 130 મીટર જેટલું નીચે છે, જે તેને પૃથ્વી પરના સૌથી નીચા બિંદુઓમાં સ્થાન અપાવે છે. આ આખો વિસ્તાર એક વિશાળ જ્વાળામુખીના મુખ પર વસેલો છે અને તેની ઉપર મીઠાના જાડા થર આવેલા છે. જમીનની નીચે રહેલો લાવા ભૂગર્ભ જળને સતત ગરમ કરે છે, જેના કારણે સતત રાસાયણિક વિસ્ફોટો થયા કરે છે. 1900 ના દાયકાની શરૂઆતમાં ઇટાલીના શાસન દરમિયાન અહીં પટાશ મેળવવા માટે માઈનિંગની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. જોકે, અસહ્ય ગરમી અને જીવલેણ વાતાવરણને કારણે લોકોએ આ જગ્યા છોડી દીધી અને આજે તે એક નિર્જન 'ઘોસ્ટ ટાઉન' બની ગયું છે.





















