આજના સમયમાં વિમાની મુસાફરી અત્યંત સામાન્ય બાબત લાગે છે પરંતુ તેની શરૂઆત એવા સામાન્ય મેદાનો અને નાની હવાઈ પટ્ટીઓથી થઈ હતી જેણે ઈતિહાસ બદલી નાખ્યો હતો. શરૂઆતના એરપોર્ટ સામાન્ય મુસાફરો માટે નહીં પરંતુ પ્રયોગો અને તાલીમ માટે બનાવવામાં આવ્યા હતા. અમેરિકાના વિશ્વના સૌથી જૂના કાર્યરત એરપોર્ટથી લઈને મુંબઈમાં ભારતના પ્રથમ સિવિલ હવાઈ મથક સુધીના આ કેન્દ્રોએ આધુનિક ઉડ્ડયન ક્ષેત્રનો મજબૂત પાયો નાખ્યો હતો.
વિશ્વનું પ્રથમ એરપોર્ટ: કોલેજ પાર્ક
અમેરિકાના મેરીલેન્ડમાં આવેલું કોલેજ પાર્ક એરપોર્ટ વિશ્વનું સૌથી જૂનું અને સતત કાર્યરત રહેતું હવાઈ મથક ગણાય છે. વર્ષ 1909માં એવિએશન ક્ષેત્રના અગ્રણી વિલ્બર રાઈટે અમેરિકન આર્મીના અધિકારીઓને તાલીમ આપવા માટે આ સ્થળની પસંદગી કરી હતી. 191માં અહીં પ્રથમ મિલિટરી એવિએશન સ્કૂલની સ્થાપના થઈ અને 1912 સુધીમાં આ સ્થળ વિમાનોમાંથી મશીનગન ફાયરિંગ અને બોમ્બ ફેંકવાના પ્રયોગોનું કેન્દ્ર બની ગયું હતું. આટલું જ નહીં વર્ષ 1924માં વિશ્વની પ્રથમ નિયંત્રિત હેલિકોપ્ટર ઉડાન પણ અહીં જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
ભારતના સિવિલ એવિએશનનું જન્મસ્થળ: જુહુ એરોડ્રોમ
ભારતમાં નાગરિક ઉડ્ડયનની યાત્રા વર્ષ 1928માં મુંબઈના જુહુ એરોડ્રોમથી શરૂ થઈ હતી. તે સમયે બોમ્બેના જુહુ વિસ્તારમાં આ એક સાધારણ હવાઈ પટ્ટી હતી. 15 ઓક્ટોબર 1932ના રોજ ભારતની પ્રથમ શિડ્યુલ્ડ કોમર્શિયલ મેલ ફ્લાઈટ અહીંથી જ ઉડાવવામાં આવી હતી. આ ઐતિહાસિક ઉડાન જેઆરડી ટાટાએ કરાચીથી અમદાવાદ થઈને જુહુ સુધી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ ઘટના સાથે જ ભારતમાં ટાટા એરલાઇન્સનો ઉદય થયો જે પાછળથી એર ઇન્ડિયા તરીકે ઓળખાઈ.
જુહુથી સાન્તાક્રુઝ સુધીનો બદલાવ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જુહુ એરોડ્રોમ મુંબઈનું મુખ્ય હવાઈ મથક હતું અને વર્ષ 1948 સુધી તેનું મહત્વ જળવાઈ રહ્યું હતું. જોકે વિમાની ટેકનોલોજીના વિકાસ સાથે મોટા પ્લેન્સના સંચાલન માટે વિશાળ એરપોર્ટની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાતને પહોંચી વળવા પાસેના સાન્તાક્રુઝ એરપોર્ટનો વિકાસ કરવામાં આવ્યો જેને આજે આપણે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખીએ છીએ. વર્તમાનમાં જુહુ એરોડ્રોમ કોમર્શિયલ ફ્લાઈટ્સ હેન્ડલ કરતું નથી પરંતુ તે હેલિપોર્ટ તરીકે સક્રિય છે જ્યાં ઓએનજીસી જેવા ઓફશોર ઓપરેશન્સ માટે રોજિંદા અંદાજે 100 હેલિકોપ્ટરની અવરજવર રહે છે.





















