ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, ''બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર આપ્યો છે. એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપ્યો છે, જે વડાપ્રધાન હોય કે, ખેડૂત હોય જે તમામ માટે એક મતનો જ અધિકાર છે''.
''ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વોટ છે''
તેમણે કહ્યું કે, ''રાહુલ ગાંધીએ જે રીતે સમગ્ર દેશમાં વોટ ચોરીનો ષડયંત્રને ખુલ્લો પાડ્યું છે. ત્યારે ગુજરાતના એક એક નાગરિકને સવાલ થઈ રહ્યો છે કે, ક્યાંક સાચા મતદારોની જગ્યાએ ખોટા મતદારો વધી તો નથી ગયા ને?, આ મતદારોની ચકાસણી કરવી તે એક એક ગુજરાતીની મનમાં છે''. વધુમાં કહ્યું કે, ''જે રીતે અમે ગુજરાતની મતદાર યાદીની ચકાસણીની શરૂઆત કરી ત્યારે શંકાસ્પદ મતદાર યાદી ધ્યાને આવી છે, જે મુજબ ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વોટ છે, તેવી સ્થિતિ અને તંત્ર ચાલું રહ્યું છે''.
''...લોકશાહી ખતરામાં છે''
અમિત ચાવડાએ કહ્યું કે, ''મતદાર યાદી લોકશાહીનો મૂળ પાયો-આધાર છે, જે આધારને ખતમ કરવામાં આવે ત્યારે ચોક્કસ કહીં શકાય કે, લોકશાહી ખતરામાં છે''. વધુમાં કહ્યું કે, ''આ મતદાર યાદીની ચકાસણી કરતા એટલું ચોક્કસથી કહી શકાય કે, અનેક જગ્યાએ સાચા મતદારોની સરખામણીમાં ભૂતિયા મતદારો અનેક ઘણાં વધારે જોવા મળે છે. આખા ગુજરાતની મતદાર યાદી ચકાસવાનો વિચાર કર્યો અને તેની શરૂઆત એક લોકસભા અને વિધાનસભાથી શરૂઆત કરી છે''.
''30 હજારથી વધારે મતદારો ભૂતિયા જોવા મળ્યા''
વધુમાં કહ્યું કે, ''આખા ગુજરાતમાં એક વ્યક્તિ અનેક વોટ આપે છે, આ વોટોની ચોરી કરવાવાળું કોણ છે?. અમે સૌથી પહેલા નવસારી લોકસભામાં સમાવેશી 168 ચોર્યાસી વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરી છે. આ ચકાસણીમાં વિગતો બહાર આવી છે જે ખુબ ચોંકાવનારા છે. ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદારો 6 લાખ 9 હજાર 593 છે. જેમાં અમે 40 ટકા મતદારોની ચકાસણી પૂર્ણ કરી છે, એટલે કે, ''2 લાખ 40 હજાર મતદારોની ચકાસણી કરી છે. જેમાથી 30 હજારથી વધારે મતદારો ડુપ્લીકેટ, ફર્જી, ભૂતિયા તેમજ શંકાસ્પદ જોવા મળ્યા છે''.