logo-img
Girnar Gorakshanath Temple Vandalism Case Exposed

પૂજારીએ ઘડ્યું પાપનું ષડયંત્ર : ગૌરક્ષનાથ મંદિરના પૂજારીએ મૂર્તિને ધક્કો મારવા ઘડ્યું હતું ષડયંત્ર

પૂજારીએ ઘડ્યું પાપનું ષડયંત્ર
Published by: Offbeat Team
| Last Updated: Oct 13, 2025, 04:47 PM IST

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર સ્થિત ગુરુ ગૌરક્ષનાથ મંદિરની મૂર્તિ તોડવાની શરમજનક ઘટના આખરે ઉકેલાઈ ગઈ છે. જૂનાગઢ પોલીસે આ કેસનો ભેદ ઉકેલીને ચોંકાવનારી હકીકત બહાર પાડી છે કે આ કૃત્ય બીજું કોઈ નહીં, પરંતુ મંદિરનો જ એક પગારદાર સેવાદાર એટલે કે પુજારી — કિશોર કુકરેજાએ જ અંજામ આપ્યો હતો.

આ આરોપી સાથે તેનો સાથીદાર રમેશ ભટ્ટ પણ પોલીસે ઝડપી લીધો છે. પોલીસે જણાવ્યું છે કે બંનેએ મળીને આ કૃત્ય માત્ર કમાણી વધારવા અને લાઇમલાઇટમાં આવવા માટે કર્યું હતું.

CCTV, CDR અને FSLની મદદથી ઉકેલાયો કેસ

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે, ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો — ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને નેત્રમ ટીમને તપાસમાં જોડવામાં આવી હતી.

પોલીસે ગિરનાર રૂટ, રોપ-વે અને આસપાસના વિસ્તારોના 156 CCTV ફૂટેજ ચેક કર્યા હતા. તદુપરાંત 500થી વધુ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રોપ-વેમાં તે સમયે રહેલા 170 યાત્રિકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.


ડેમો દ્વારા સાબિત થયું આંતરિક કૃત્ય

પોલીસે ઘટના સ્થળની તપાસ દરમિયાન નોંધ્યું કે, મંદિરનો કાચ એક બાજુથી તોડવામાં આવ્યો હતો, પરંતુ અંદર રહેલી 50 કિલો વજનની મૂર્તિ તે માર્ગે બહાર આવી શકે નહીં. આ શંકાને દૂર કરવા માટે FSL ટીમ દ્વારા ડેમો કરવામાં આવ્યો, જેમાં સાબિત થયું કે મૂર્તિને બહાર કાઢવી શારીરિક રીતે અશક્ય હતી.

આથી પોલીસે નિષ્કર્ષ કાઢ્યો કે આ કૃત્ય અંદરના કોઈ વ્યક્તિ દ્વારા જ અંજામ અપાયું છે.


‘આપણે એક કાંડ કરવાનો છે’ કિશોરની કબૂલાત

પછી રમેશ ભટ્ટની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે તા. 4 ઓક્ટોબરની સાંજે આરતી પૂર્ણ થયા બાદ કિશોર કુકરેજાએ કહ્યું હતું — “આપણે એક કાંડ કરવાનો છે.”

સાંજે 7:30 બાદ કિશોરે મંદિરનો કાચ લોખંડના પાઇપથી તોડી નાખ્યો અને તાળું મારી દીધું. રાત્રે 9:30 બાદ પોતાની પાસેની ચાવીથી મંદિર ખોલી બંનેએ મળીને ગૌરક્ષનાથની મૂર્તિને બહાર કાઢી પર્વત પરથી ફેંકી દીધી હતી.


કમાણી અને ખ્યાતિ મેળવવાનો હેતુ

પોલીસની તપાસમાં ખુલ્યું કે કિશોર કુકરેજા મંદિરના દાનમાંથી કટકી કરતો હતો. તેણે રમેશને કહ્યું હતું કે જો મોટો કાંડ કરીએ તો લોકોનું ધ્યાન મંદિર તરફ વધશે, દાનમાં વધારો થશે અને તેની આવક પણ વધશે. આ લાલચમાં તેણે આ ધર્મદ્રોહી કૃત્ય કર્યું હતું.


બંને આરોપીની ધરપકડ

જૂનાગઢ પોલીસે કિશોર કુકરેજા અને રમેશ ભટ્ટ, બંનેને ઝડપી લીધા છે અને વધુ તપાસ ચાલુ છે.

આ ઘટના બાદ બીજા જ દિવસે સાધુ-સંતો અને વહીવટી તંત્રની હાજરીમાં ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું, જેથી ફરી એકવાર ભાવિકો માટે આસ્થા અખંડ રહે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now