અમદાવાદના સુભાષ બ્રિજ RTO કચેરીમાં લાંચખોરીનો એક નવો પ્રકાર સામે આવ્યો છે. હવે લાંચિયા અધિકારીઓ માત્ર રોકડ જ નહીં, ડિજિટલ માધ્યમથી લાંચ સ્વીકારવા લાગ્યા છે.
એસીબીની ટીમે સુભાષ બ્રિજ RTOની મહિલા ક્લાર્ક સ્વાતીબેન રાઠોડને QR કોડ મારફતે રૂપિયા 800ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી છે.
ડુપ્લીકેટ RC બુક માટે લાંચની માંગણી
માહિતી મુજબ, મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા એક ફરિયાદીના બે ગ્રાહકોને ડુપ્લીકેટ RC બુક મેળવવાની જરૂર હતી.
ફરિયાદીએ ઓનલાઈન એપ્લિકેશન થકી 700 રૂપિયાનું ચલણ ભર્યું હોવા છતાં, સુભાષ બ્રિજ RTOમાં ફરજ બજાવતા મહિલા ક્લાર્ક સ્વાતીબેન રાઠોડે વધારાના 800 રૂપિયાની લાંચ માગી હતી.
લાંચની રકમ મેળવવા માટે તેમણે ફરિયાદીને મોબાઈલ એપ્લિકેશનનો QR કોડ મોકલ્યો હતો, જેથી રકમ સીધી ડિજિટલ રીતે તેમના ખાતામાં જમા થાય.
ફરિયાદ બાદ એસીબીનો છટકો
ફરિયાદીને લાંચ આપવી ન હોવાને કારણે તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો.
એસીબીએ યોજેલા છટકામાં મહિલા ક્લાર્કે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને બાદમાં QR કોડ મારફતે લાંચની રકમ સ્વીકારતા જ ઝડપાઈ ગઈ.
એસીબીની કાર્યવાહી
એસીબી અધિકારીઓએ જણાવ્યું કે હવે લાંચિયા અધિકારીઓ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને પણ લાંચ લેવાના નવા રસ્તા અપનાવી રહ્યા છે, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા ભ્રષ્ટાચાર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.