ખેરાલુમાં 20 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ એક યુવકે પોતાનું નામ બદલી મિત્રતા કેળવી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ફરિયાદ અનુસાર આરોપી મોહમદ જાવેદ નુરમહંમદ સિન્ધીએ પોતાનું નામ રાહુલ પટેલ જણાવી યુવતી સાથે ઓળખાણ કરી હતી. વિશ્વાસમાં લઇ મિત્રતા વધાર્યા બાદ યુવતીના અગાઉ પાડેલા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેલ કર્યું હતું.
બળજબરીથી દુષ્કર્મ આચરાયું
યુવતીના જણાવ્યા મુજબ તેની મરજી વિરુદ્ધ વડનગર રોડ પર આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચરાયું હતું. ઘટનાને પગલે યુવતીએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોહમદ જાવેદ નુરમહંમદ સિન્ધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મીના પિતાને અજાણ્યા શખ્સોએ માર માર્યો
આ કેસ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુષ્કર્મના આરોપી મોહમદ જાવેદ અને તેના પિતા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ કેટલાક ઇસમોએ બંનેને ગળદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપી મોહમદ જાવેદનું સીએનજી રીક્ષામાં અપહરણ કરી તેને મલેકપુર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં રામદેવપીરના મંદિર પાછળ આવેલા ખુલ્લી જગ્યામાં તેને છોડી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પણ ખેરાલુ પોલીસ મથકે અજાણ્યા ઇસમો તથા GJ-02-AU-9655 નંબરની રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ બંને મામલાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવાયું છે.




















