Home Gujarat Allegation Of Psi Slapping Sarpanchs Husband In Pandarwada Mahisagar

મહીસાગરમાં ખાખી ફરી વિવાદમાં! : પાંડરવાડામાં PSI દ્વારા સરપંચ પતિને લાફો માર્યાનો આક્ષેપ, હાઈવે ચક્કાજામ, આખરે માફી માંગી!

મહીસાગરમાં ખાખી ફરી વિવાદમાં!
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 07:09 AM IST

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર પોલીસ વિવાદમાં આવી છે. પાંડરવાડા ગામે એલસીબીના પીએસઆઈ મકવાણાએ સરપંચના પતિ શૈલેષ ડામોરને જાહેરમાં લાફો મારી અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને બાબલીયા-રાજસ્થાન જોડતા મુખ્ય માર્ગ પર બાઈક અને ગાડીઓ આડી મૂકી ચક્કાજામ કર્યો હતો.

'PSI જાહેરમાં માફી માંગે'

ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અનેક વાહનચાલકો કલાકો સુધી અટવાઈ ગયા હતા. ગ્રામજનોએ માગ કરી હતી કે પીએસઆઈ જાહેરમાં માફી માંગે. અગાઉ જનોડ ગામે સગીરને માર મારવાના બનાવ અને સીટ બેલ્ટ મુદ્દે થયેલા વિવાદ બાદ ફરી પોલીસની જોહુકમી સામે આવતા લોકોમાં અસંતોષ વધુ વધ્યો હતો.

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા

સ્થિતિ ગંભીર બનતાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મોડી રાત્રે સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે આગેવાની લઈને ગ્રામજનો અને ભોગ બનનાર પરિવાર સાથે બાકોર પોલીસ મથક સુધી કૂચ કરી હતી. ત્યાં એલસીબી પીઆઇ એમ.કે. ખાંટ સહિત પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા-વાટાઘાટો યોજાઈ હતી. બાકોર પોલીસ મથકે મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં માનવમહેરામણ સર્જાયું હતું.

આખરે એલસીબી પીઆઇએ જાહેરમાં માફી માંગી અને પીએસઆઈ મકવાણા સવારે શૈલેષ ડામોરના ઘરે જઈ માફી માંગશે તેવી બાહેધરી આપી હતી તેવી ચર્ચા વહેતી થઈ છે. ત્યારબાદ મામલો થાળે પડ્યો અને બંધ કરાયેલો માર્ગ ફરી ખોલવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now