Home Gujarat Leopard Terror In Kanesara In Jasdan District

જસદણ પંથકમાં કનેસરામાં દીપડાનો આતંક : બે લોકો ઉપર કર્યો હુમલો, પૂજારીનું સારવાર દરમિયાન મોત

જસદણ પંથકમાં કનેસરામાં દીપડાનો આતંક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 09:23 AM IST

જસદણ પંથકમાં દીપડાના આતંકથી દહેશત ફેલાઈ છે. કનેસરા ગામે આવેલા જડિયા મહાદેવ મંદિરે વહેલી સવારે આરતી દરમિયાન દીપડાએ હુમલો કરતાં પૂજારી સવા ભગત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ સવા ભગત આરતી કરી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક તરાપ મારી ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

કનેસરામાં દીપડાનો આતંક

પૂજારીને બચાવવા વચ્ચે પડેલા એક ખેડૂત પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલત ગંભીર હોવાને કારણે બંનેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તબીબોએ સવા ભગતને મૃત જાહેર કર્યા હતા. પૂજારીના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે રાખવામાં આવ્યો છે.

પૂજારીનું સારવાર દરમિયાન મોત

હુમલા બાદ દીપડો નજીકના એક ઘરમાં ઘૂસી ગયો હતો. ગામલોકોએ સમયસૂચકતા દાખવી બહારથી રૂમ બંધ કરી દીપડાને અંદર જ અટકાવી દીધો હતો. જાણ થતાં જ જસદણ વન વિભાગની ટીમ પાંજરા સાથે સ્થળ પર દોડી આવી હતી. અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ ટીમે દીપડાને બેભાન કરી સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો. ઘટનાસ્થળે દીપડાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આખરે દીપડો પકડાઈ જતા અને તેને જસદણ ખસેડાતા ગામમાં રાહતની લાગણી ફેલાઈ હતી, જોકે પૂજારીના દુઃખદ અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now