Home Gujarat Gujarat Psi Paper 2 Exam 28 June 2026 Gprb

બિન હથિયારી PSI ભરતીમાં પેપર-2ની પરીક્ષા રવિવારે યોજાશે : 1,814 ઉમેદવારો આપશે પરીક્ષા

gujarat-psi-paper-2-exam
Image Credit: ai
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2026, 07:09 PM IST

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 430 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનો અગત્યનો તબક્કો; બાયોમેટ્રિક, ફેશિયલ રેકગ્નિશન અને CCTV દેખરેખ હેઠળ પરીક્ષા યોજાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની કુલ 430 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા તરીકે પેપર-2 (Police Procedure – Subjective) ની લેખિત પરીક્ષા રવિવારે 28 જૂન, 2026 ના રોજ ગાંધીનગર સ્થિત LDRP કેમ્પસ ખાતે યોજાશે. પરીક્ષા માટે કુલ 1,814 ઉમેદવારો પાત્ર ઠર્યા છે. આ માહિતી ભરતી બોર્ડે શનિવારે જાહેર કરેલી પ્રેસનોટમાં આપી છે.

ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં કુલ 4,935 ઉમેદવારોની શારીરિક કસોટી 10 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર, 2025 દરમિયાન લેવામાં આવી હતી. તેમાં સફળ થયેલા 4,633 ઉમેદવારો માટે Paper-1 (Legal Matters – MCQ)ની 100 ગુણની લેખિત પરીક્ષા 23 નવેમ્બર, 2025ના રોજ લેવામાં આવી હતી. ત્યારબાદ નિયમો મુજબ ખાલી જગ્યાઓના અંદાજે પાંચ ગણા ઉમેદવારોને આગામી તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા છે.

છ કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા મુજબ પેપર-2ની પરીક્ષા ગાંધીનગરના LDRP કેમ્પસમાં આવેલી કુલ છ શાળા / કોલેજોમાં યોજાશે. પરીક્ષા વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે અંદાજે 60 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ 100 જેટલા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર પર PI કક્ષાના એક પોલીસ અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પારદર્શિતા માટે કડક વ્યવસ્થા

પરીક્ષાની નિષ્પક્ષતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન તેમજ Facial Recognition Technology દ્વારા ઓળખ ચકાસવામાં આવશે. પરીક્ષા સંબંધિત સમગ્ર પ્રક્રિયા CCTV દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સમગ્ર પરીક્ષા પ્રક્રિયાનું સીધું સુપરવિઝન DIGP અને SP કક્ષાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિને અટકાવી શકાય.

ભરતી પ્રક્રિયાનું મહત્વ

બિન હથિયારી PSIની ભરતી રાજ્ય પોલીસ દળ માટે મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવે છે. આ ભરતી દ્વારા પોલીસ તંત્રમાં અધિકારી કક્ષાની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. પરીક્ષાના વિવિધ તબક્કાઓ પૂર્ણ થયા બાદ અંતિમ મેરીટ, દસ્તાવેજ ચકાસણી અને અન્ય નિયમિત પ્રક્રિયાઓ અનુસાર પસંદગી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now